સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા મોટા વરાછા વિસ્તારમાં બનાવવામાં આવેલું શાકભાજી અને ફ્રૂટ માર્કેટ લાંબા સમયથી બંધ હાલતમાં હોવાની સ્થિતિ સામે આવી છે. એક તરફ માર્કેટનો યોગ્ય ઉપયોગ થતો નથી, તો બીજી તરફ શાકભાજી અને ફળફળાદીની ખરીદી-વેચાણ માટે રોડ પર ધમધમતા વેપારને કારણે ટ્રાફિકની સમસ્યા યથાવત્ રહેતાં સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને અગાઉ વોર્ડ નંબર-2નાં કોર્પોરેટર ચંદ્રિકાબેન અસોદરિયા દ્વારા પણ સુરત મહાનગરપાલિકામાં લેખિત રજૂઆત મીડિયા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં રોડ પર થતા ટ્રાફિકને અટકાવવા અને બંધ પડેલા શાકભાજી તથા ફ્રૂટ માર્કેટને ફરીથી શરૂ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તેમ છતાં લાંબો સમય વીતી જવા છતાં માર્કેટની સ્થિતિમાં કોઈ નોંધપાત્ર ફેરફાર ન દેખાતાં હવે મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
સવાલ એ છે કે જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા નાગરિકોની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે સંબંધિત વિભાગે તેના પર શું કાર્યવાહી કરી? રજૂઆત બાદ કોઈ અધિકારીએ સ્થળ તપાસ કરી હતી કે નહીં? માર્કેટ શરૂ કરવામાં કઈ અડચણ છે? જો માર્કેટ શરૂ કરી શકાય તેમ ન હોય તો તેનું કારણ જાહેર કેમ કરવામાં આવતું નથી?
બીજી તરફ જાહેર જનતાના નાણાંથી ઊભી કરવામાં આવેલી સુવિધા જો લાંબા સમય સુધી બંધ જ રહેવાની હોય તો તેનો નાગરિકોને શું લાભ? માર્કેટ શરૂ થાય તો રોડ પર થતો વેપાર નિયંત્રિત થઈ શકે અને ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળી શકે તેવી શક્યતા છે.
હવે મોટા વરાછાના નાગરિકો તરફથી માંગ ઊઠી રહી છે કે સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી આ મામલે તાત્કાલિક તપાસ કરાવે, કોર્પોરેટર ચંદ્રિકાબેન અસોદરિયાની અગાઉની રજૂઆત પર થયેલી કાર્યવાહીનો અહેવાલ જાહેર કરે અને બંધ પડેલા માર્કેટને વહેલી તકે શરૂ કરાવે.
મોટા વરાછાના નાગરિકોનો સીધો સવાલ છે કે માર્કેટ શરૂ કરવા માટે રજૂઆત થઈ, તો પછી આજદિન સુધી માર્કેટ શરૂ કેમ ન થયું? આખરે આ બંધ માર્કેટ પાછળ વહીવટી બેદરકારી છે કે કોઈ અન્ય કારણ? હવે મહાનગરપાલિકા જવાબ આપશે કે ફરી એકવાર આ પ્રશ્ન ફાઇલોમાં જ દબાઈ જશે?
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત











