કમાલપુર આયુષ્યમાન આરોગ્ય મંદિરનું રાષ્ટ્રીય સ્તરે વર્ચ્યુઅલ મૂલ્યાંકન
આરોગ્યની 12 સેવાઓની ગુણવત્તા, દસ્તાવેજો અને રેકર્ડની ચકાસણી કરાઈ

વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા આરોગ્ય તંત્ર હેઠળના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જંત્રાલ અંતર્ગત કાર્યરત આયુષ્યમાન આરોગ્ય મંદિર, કમાલપુરનું રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણ (NQAS) અંતર્ગત વર્ચ્યુઅલ મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્તરના મૂલ્યાંકનકાર ડો. આરીફ બેગ અને ડો. સુભાષીશ સિંહા દ્વારા આરોગ્ય કેન્દ્રની વિવિધ સેવાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્રના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રવીણ પટેલ અને ગુણવત્તા તબીબી અધિકારી ડો. હાર્દિક અમીનના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ મૂલ્યાંકનમાં આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવતી 12 પ્રકારની આરોગ્ય સેવાઓની ચકાસણી કરવામાં આવી હતી.
જેમાં સગર્ભા માતાઓની સંભાળ, પ્રસૂતિ અને પ્રસૂતિ પછીની સેવાઓ, નવજાત શિશુ તથા એક વર્ષથી નાનાં બાળકોની સંભાળ, રસીકરણ, બાળ અને કિશોર આરોગ્ય, કુટુંબ કલ્યાણ, સામાન્ય બીમારીઓની સારવાર, રોગચાળા નિયંત્રણ અને રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોના અમલીકરણની સમીક્ષા કરવામાં આવી હતી.
આ ઉપરાંત ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર અને કેન્સર જેવા બિનચેપી રોગોનું નિદાન અને સારવાર, આંખ-નાક-કાન-ગળાના રોગોની તપાસ, દાંતના આરોગ્યની સેવાઓ, માનસિક આરોગ્ય, વૃદ્ધોની સંભાળ તથા કટોકટીની સારવારની વ્યવસ્થાનું પણ મૂલ્યાંકન કરાયું હતું.
મૂલ્યાંકન દરમિયાન કમાલપુર આરોગ્ય મંદિરનાં સામુદાયિક આરોગ્ય અધિકારી રક્ષાબેન, મહિલા આરોગ્ય કાર્યકર રીટાબેન, પુરુષ આરોગ્ય કાર્યકર કૌશિક પટેલ તેમજ આશા કાર્યકરોને વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સાથે જ આરોગ્ય કેન્દ્રનાં રેકર્ડ, રજિસ્ટર અને સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરીને નિર્ધારિત માપદંડો મુજબ ચેકલિસ્ટ ભરવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડો. ચેતન પ્રજાપતિ, જિલ્લા પ્રતિનિધિ આબિદભાઈ, વિજાપુરના તબીબી અધિકારી ડો. યશ પટેલ, તાલુકા આરોગ્ય સુપરવાઇઝર મુકેશ ચૌહાણ, માર્ગદર્શક સુમિત પટેલ અને સોખડાના આયુષ તબીબી અધિકારી ડો. રવિ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.









