વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં દિવાળી તહેવારને અનુલક્ષીને મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.)ને સફળતા મળી છે. વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીની ત્રણ મોટરસાઇકલ કબજે કરી છે. કબજે કરાયેલા વાહનોની કુલ કિંમત રૂ. ૪૫ હજાર હોવાનું જાણવા મળ્યું છે.
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી રહી હતી.
આ દરમિયાન તા. ૦૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ મળેલી બાતમીના આધારે ઇંટાળવાથી ગણેશ સીસોદરા તરફ જતા માર્ગે વાડા ગામના પાટિયા પાસે પોલીસે વોચ ગોઠવી હતી. આ કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા રાજેશઅલી દાઉદઅલી શેખ (ઉં.વ. ૩૩) અને મુકેશકુમાર શ્રીચંદ નિશાદ (ઉં.વ. ૨૮)ને ચોરીની હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટરસાઇકલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસની વધુ પૂછપરછ દરમિયાન આરોપીઓએ છેલ્લા એક મહિનામાં અન્ય બે વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેમાં વાપી રેલવે સ્ટેશન પાસેથી બજાજ કંપનીની ડિસ્કવર મોટરસાઇકલ (રજિ. નં. GJ-15-AK-7521) તથા તા. ૦૪ નવેમ્બરના રોજ હોન્ડા એક્ટિવા DLX (રજિ. નં. GJ-15-EL-9351)ની ચોરી કરી હોવાની વિગતો સામે આવી હતી. ચોરી કરાયેલ એક્ટિવા ગણેશ સીસોદરા બુલેટ ટ્રેન બ્રિજ નીચે સંતાડવામાં આવી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું.
પોલીસે ત્રણેય વાહનો કબજે લીધાં છે. જેમાં હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલની કિંમત રૂ. ૧૫ હજાર, બજાજ ડિસ્કવરની કિંમત રૂ. ૧૦ હજાર અને હોન્ડા એક્ટિવાની કિંમત રૂ. ૨૦ હજાર મળી કુલ રૂ. ૪૫ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આરોપીઓ સામે સુરતના સચિન GIDC પોલીસ સ્ટેશનમાં વાહનચોરીનો ગુનો નોંધાયેલ હોવાનું તેમજ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં અન્ય વાહનચોરી અંગે ઇ-એફઆઈઆર નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
આ સમગ્ર કામગીરી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વાય.જી. ગઢવી, પીએસઆઈ એમ.બી. ગામીત સહિત એએસઆઈ ઘુઘાભાઈ દિનેશભાઈ, હેડ કોન્સ્ટેબલ નયનકુમાર હનુભા અને અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.









