સ્વચ્છતા હી સેવા – 2026 અંતર્ગત કેશોદ નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ તેમજ જાહેર સ્થળોએ થતી ગંદકી અને ન્યુસન્સ સામે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કેશોદ નગરપાલિકા પ્રમુખ પ્રતિક્ષાબેન દેવળીયાની સૂચના તથા ચીફ ઓફિસર ભાવિન કાંઘાણીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને સેનિટેશન શાખાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ તેમજ જાહેર ન્યુસન્સ અંગે નિયમોનું ઉલ્લંઘન કરતા ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સેનિટેશન શાખા દ્વારા કુલ રૂ. 16,550 નો દંડ સ્થળ પર જ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત નગરપાલિકા ટીમ દ્વારા વેપારીઓ તથા જાહેર જનતાને સ્વચ્છતા જાળવવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તેમજ જાહેર સ્થળોએ ગંદકી ન ફેલાવવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીના હેતુથી આવી કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયું હતું

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 










