વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : કલેક્ટર કચેરી ખાતે શિક્ષણ અને જિલ્લા પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ, રાષ્ટ્રીય એકતા દિન તેમજ આગામી પરંપરાગત ગિરનાર લીલી પરિક્રમાની પૂર્વ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આગામી તારીખ ૩૦ ઓક્ટોબરે યોજાનારા પીએમ કિસાન ઉત્સવ અને ૩૧ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીના આયોજન અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તમામ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જળવાય અને સોંપાયેલી જવાબદારીઓ સમયસર પૂર્ણ થાય તે જોવા સંબંધિત અધિકારીઓને સૂચના અપાઈ હતી.
આ ઉપરાંત તારીખ ૨૦ નવેમ્બરથી શરૂ થનારી ગિરનાર લીલી પરિક્રમાના આયોજન અંગે જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ વિગતો રજૂ કરી હતી. પરિક્રમા દરમિયાન ભાવિકો માટે પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે અગાઉથી વ્યવસ્થા કરવા, પરિક્રમા રૂટ પર લાઇટિંગ સુવિધા વધારવા અને આરોગ્ય સેવાઓ સુસજ્જ રાખવા માર્ગદર્શન અપાયું હતું. સાથે જ વહીવટી તંત્ર, પોલીસ, પદાધિકારીઓ, વન વિભાગ અને સાધુ-સંતો સાથે મળીને સમગ્ર રૂટનું સંયુક્ત નિરીક્ષણ કરવા જણાવાયું હતું.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર આઈ.આર. વાળા, ડીડીઓ જયંતસિંહ રાઠોડ, એસપી સુબોધ ઓડેદરા, મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, ધારાસભ્ય સંજય કોરડીયા, ધારાસભ્ય દેવા માલમ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષ નેતા મનન અભાણી, સાવજ ડેરી ચેરમેન દિનેશ ખટારીયા, જેડીસીસી બેંક ચેરમેન કિરીટ પટેલ, અગ્રણી વિપુલ કાવાણી, ગૌરવ રૂપારેલીયા, ચંદુ મકવાણા સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.











