વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ દેશભરના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૪મો હપ્તો રિલીઝ કર્યો હતો, જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના આશરે ૧.૫૩ લાખ ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ. ૨૦૦૦ પેટે કુલ રૂ.૩૦.૮૨ કરોડ ની સહાય જમા કરવામાં આવી હતી. જૂનાગઢના બિલખા જિલ્લા કક્ષાના પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલજી રાજપુતના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા. સાથે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વર્ચ્યુઅલી પ્રેરક સંબોધન નિહાળ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રીએ જણાવ્યું હતું કે,ગુજરાત રાજ્ય કૃષિ ક્ષેત્રે દેશમાં અગ્રણી સ્થાન ધરાવે છે અને તેમાં જૂનાગઢ જિલ્લાનું વિશેષ મહત્વ છે. જૂનાગઢમાં મગફળી, કપાસ, સોયાબીન અને કેસર કેરી જેવા પાકોનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોની આવક વધારવાનો અને તેમને સમૃદ્ધ બનાવવાનો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ખેડૂતોએ પોતાની ક્ષમતા અને જ્ઞાનનો ઉપયોગ કરીને આધુનિક તથા પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા જણાવ્યું હતું.પ્રાકૃતિક ખેતીના મહત્વ પર તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઇડ્સના અતિશય વપરાશથી કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી પદ્ધતિ નથી પરંતુ માનવતાની સેવા અને જીવદયાનું ઉત્તમ કાર્ય છે. જેમ આપણા પરિવાર માટે ‘ફેમિલી ડોક્ટર’ હોય છે, તેમ દરેક પરિવારે પ્રાકૃતિક ખેતી કરતા ‘ફેમિલી ફાર્મર’ સાથે જોડાવવું જોઈએ. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેતીનો ખર્ચ અડધો થઈ જાય છે, જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને આવનારી પેઢી રોગમુક્ત રહે છે. તેમણે યોગ અને જીવનશૈલી વિશે માર્ગદર્શન આપતા કહ્યું કે, યોગ કરવાથી વ્યક્તિમાં હેલ્થ, હેપીનેસ અને આત્મબળ વધે છે. યોગ અને રોગને ક્યારેય મેળ બેસતો નથી, જ્યાં યોગ હોય ત્યાં રોગ રહેતો નથી. દેશનો ખેડૂત પ્રાકૃતિક ખેતી અપનાવે અને સ્વાસ્થ્ય માટે યોગ સાથે જોડાય, તો વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાચા અર્થમાં સાકાર કરી શકાશે. ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રીશ્રી દ્વારા આજરોજ પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે અંદાજે ૯.૩૪ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં સીધા જ ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય જમા કરવામાં આવી છે, જેથી વચેટિયાઓની ભૂમિકા નાબૂદ થઈ છે અને ખેડૂતોને પારદર્શક રીતે સીધો આર્થિક લાભ મળ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે, ખેતીને માત્ર પરંપરાગત વ્યવસાય નહીં પરંતુ એક આધુનિક અને નફાકારક ‘વેપાર’ તરીકે અપનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે ગ્રીનહાઉસ ટેક્નોલોજી, ટપક સિંચાઈ, ટેકાના ભાવે પાક ખરીદી તેમજ સ્માર્ટ ખેતીના માધ્યમથી ખેડૂતો કેવી રીતે આત્મનિર્ભર બની શકે તે અંગે જણાવ્યું હતું.એક ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે કેવી રીતે માખીયાળા ગામના એક યુવાને ગ્રીનહાઉસ ખેતી દ્વારા મોટો નફો કમાઈને અભ્યાસ સાથે સફળતા મેળવી છે. આજના સમયમાં ખેડૂતોએ આધુનિક પદ્ધતિઓ અને વિજ્ઞાનનો ઉપયોગ કરીને પોતાની ઓછી જમીનમાંથી પણ મબલખ આવક મેળવીને સક્ષમ બનવા અનુરોધ કર્યો હતો. આ તકે મહાનુભાવોએ જીજીઆરસી, આરોગ્ય વિભાગ, આઇસીડીએસ અને સખીમંડળના વિવિધ સ્ટોલની મુલાકાત પણ લીધી હતી આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતો, કૃષિ ક્ષેત્રની વિવિધ સહાયના લાભાર્થીઓ, એગ્રોસર્વિસ પ્રોવાઇડરનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢના બંધાળા ગામના લોકડીયા મુકેશભાઈ નરસિંભાઈ,બગડુ ગામના રાબડીયા રામજીભાઈ ભોવાન ભાઈ, મંડલીકપુરના વિપુલભાઈ શાંતિભાઈ રાખોલીયા, બંધાળાના શૈલેષભાઈ મધુભાઈ હરખાણી, બિલખાના પરમાર રફીક ઈસ્માઈલભાઈ, સેમરાળા ગામના વિરમદેભાઈ કચરાભાઈ ભીમાણી, તોરણીયા ના રમેશભાઈ ભીખાભાઈ સાવલિયા, ચોરવાડીના કાનજીભાઈ પુનાભાઈ વેકરીયા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જીગર ભટ્ટ શાબ્દિક સ્વાગત અને તાલુકા અમલીકરણ અધિકારી શ્રી એન.બી.ચૌહાણે આભાર વિધિ કરી હતી.આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પ્રમુખશ્રી લીનાબેન કાવાણી, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, જૂનાગઢ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી દિલીપ રાણા,જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરી, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રીજયંતસિંહ રાઠોર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા,જૂનાગઢ તાલુકા પંચાયત પ્રમુખશ્રીમતિ ઇન્દુબેન ભોજક, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, સહિતના મહાનુભાવો, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










