SIR કામગીરી દરમિયાન નામ હટાવવાના મુદ્દે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમારના વિરોધમાં રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. દરમિયાન કાર્યકરોએ જ્ઞાનેશ કુમારના પોસ્ટર હાથમાં લઈ તેમજ તેમના મુખોટા પહેરી વિરોધ નોંધાવ્યો હતો.
વિરોધ દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ “જ્ઞાનેશ કુમારને ફાંસી આપો”, “જ્ઞાનેશ કુમાર મુર્દાબાદ” અને “વોટચોરી બંધ કરો” જેવા નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો.
ત્યારબાદ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે અધિક કલેક્ટર સાથે મુલાકાત કરી SIR કામગીરી અંગે રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશીકાંત રાઠવા, અમજદ પઠાણ, કાજલ રાઠવા, જવાનીકા રાઠવા, સરોજ (મોના)બેન મન્સૂરી, નટુ બારીયા, અરવિંદ ઠક્કર તથા પૂર્વ વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશીકાંત રાઠવાએ જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા અને SIR કામગીરીને લઈને કાર્યવાહી તથા સજાની માંગ કરી હતી. સાથે જ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અંગે પણ આક્ષેપાત્મક નિવેદનો કરી SIR કામગીરીને લઈને કાર્યવાહી કરવાની માંગ કરી હતી.