સુરેન્દ્રનગર: માર્કેટમાં ગંદકી કરનારા શાકભાજીના લારીધારકો સામે મનપાની લાલ આંખ, ડસ્ટબીન ન રાખનાર 20થી વધુ સામે દંડાત્મક કાર્યવાહી

તા.02/10/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

કમિશનરે રૂબરૂ મુલાકાત લઈ સમજાવટ બાદ પણ સુધારો ન થતાં સેનિટેશન વિભાગ એક્શન મોડમાં, સુરેન્દ્રનગર શહેરને સ્વચ્છ, સુંદર અને રોગચાળા મુક્ત બનાવવાના ભાગરૂપે સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્કેટ વિસ્તારમાં કચરો ફેલાવતા અને ફરજિયાત કચરાટોપલી ન રાખતા ૨૦થી વધુ શાકભાજીના લારીધારકો સામે મહાનગર પાલિકાએ દંડાત્મક કાર્યવાહી કરી દંડ ફટકાર્યો છે. તંત્રની આ કડક કાર્યવાહીથી માર્કેટના વેપારીઓ અને ગંદકી ફેલાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર શહેરની મુખ્ય બજારો અને શાક માર્કેટમાં રોડ-રસ્તા પર શાકભાજી વેચતા લારીધારકો દ્વારા શાકભાજીનો બગાડ, વેસ્ટેજ અને પ્લાસ્ટિક જાહેરમાં ફેંકી દેવામાં આવતું હતું. આ બાબતે ખુદ મહાનગરપાલિકાના કમિશનરે શહેરના માર્કેટ વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી અને લારીધારકો સાથે બેઠક યોજી હતી. કમિશનરે તમામ લારીધારકોને પોતાની લારી પાસે ફરજિયાતપણે કચરા ટોપલી રાખવા અને તમામ કચરો તેમાં જ નાખવા કડક સૂચના આપી હતી. જોકે, કમિશનરની સૂચના અને સમજાવટ છતાં પણ કેટલાક બેદરકાર લારીધારકો દ્વારા તેની અમલવારી કરવામાં આવી નહોતી. તંત્રની સૂચનાઓનો અનાદર થતાં જ સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના સેનિટેશન વિભાગની ટીમે મુખ્ય માર્કેટમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન જે લારીધારકો પાસે ડસ્ટબીન નહોતી અને જેઓ રસ્તા પર ગંદકી ફેલાવી રહ્યા હતા, તેવા ૨૦થી વધુ લારીધારકોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો. મહાનગર પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, લારીધારકો દ્વારા રોડ પર ફેંકવામાં આવતા શાકભાજીના કચરાને કારણે તીવ્ર દુર્ગંધ ફેલાય છે અને મચ્છરોનો ઉપદ્રવ વધે છે. હાલના તબક્કે રોગચાળો ફાટી ન નીકળે અને આસપાસના કાયમી વેપારીઓ તથા ખરીદી માટે આવતા નાગરિકોનું આરોગ્ય જોખમાય નહીં તે માટે આ પગલું ભરવું જરૂરી બન્યું હતું. મહાનગર પાલિકાની સેનિટેશન ટીમે કડક ચેતવણી આપતાં જણાવ્યું છે કે, પ્રથમ તબક્કે માત્ર દંડ વસૂલવામાં આવ્યો છે. પરંતુ આ કાર્યવાહી બાદ પણ જો કોઈ લારીધારક ડસ્ટબીન નહીં રાખે અથવા જાહેર રસ્તા પર કચરો અને પ્લાસ્ટિક ફેંકતો ઝડપાશે, તો તેની લારી જપ્ત કરવામાં આવશે અને તેની સામે કાયદેસરનો પોલીસ ગુનો પણ દાખલ કરવામાં આવશે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો