તા.૧૬/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
મહીસાગર જિલ્લાની કૃતી ‘આધુનિક યુગની અંધશ્રદ્ધા’ રાજ્યમાં અવ્વલ, હવે મુંબઈમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
પ્રથમ વિજેતાને રૂ. ૫૧ હજાર, દ્વિતીયને રૂ. ૩૧ હજાર અને તૃતીયને રૂ. ૨૧ હજારનું ઇનામ અપાયું : શ્રેષ્ઠ અભિનેતા-અભિનેત્રી સહિત ચાર કેટેગરીમાં રૂ. ૧૦-૧૦ હજારના પુરસ્કાર અપાયા
Rajkot: “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળની નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ સાથે સંકલિત ‘રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ ૨૦૨૬-૨૭’ની રાજ્ય કક્ષાની સ્પર્ધાનું રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ બે દિવસીય મહોત્સવના અંતે મહીસાગર જિલ્લાની ‘આધુનિક યુગ ની અંધશ્રધ્ધા’ નાટ્યકૃતિ પ્રથમ સ્થાને રહી હતી. જ્યારે ભરૂચ જિલ્લાની ‘ધૃવા સિલીન્ડર 42’ કૃતિને દ્વિતીય સ્થાન અને મહેસાણા જિલ્લાની ‘નીલ ગર્જના’ કૃતિને તૃતીય સ્થાન પ્રાપ્ત થયું હતું.

વિશિષ્ટ કેટેગરીમાં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ ચિંતન પંચાલને જ્યારે શ્રેષ્ઠ સ્ક્રિપ્ટનો એવોર્ડ દિવ્યા યાદવને મળ્યો હતો. શ્રેષ્ઠ અભિનેતા તરીકે ઝીલ નયનકુમાર જોશી અને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે અન્વેષા ટિંબળીયાની પસંદગી કરવામાં આવી હતી.

મહોત્સવમાં શાળા કક્ષાએ પ્રથમ સ્થાન મહીસાગર જિલ્લાની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ, દ્વિતીય સ્થાન સબરી વિદ્યા પીડમ અંગ્રેજી માધ્યમ સ્કુલ – જડેશ્વર અને તૃતીય સ્થાન રક્ષાશક્તિ સ્કુલને મળ્યું હતું
વિદ્યાર્થીઓની વ્યક્તિગત શ્રેણીમાં પ્રથમ ક્રમે ઝીલ નયનકુમાર જોશી, નક્ષ મેહતા, અન્વેષા ટિંબળીયા, જેની પટેલ, દીપ પટેલ, માહી ઘામાવાલા, જિન્સી પંચાલ અને પ્રતિક્ષા ચંદ્રાએ સ્થાન મેળવ્યું હતું. દ્વિતીય અને તૃતીય ક્રમે પણ વિવિધ જિલ્લાઓના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સ્થાન મેળવ્યું હતું.
આ રાજ્યકક્ષાના મહોત્સવ દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસા, સર્જનાત્મકતા તથા નાટ્યકળાના માધ્યમથી વૈજ્ઞાનિક વિચારોને સમાજ સુધી પહોંચાડવાની ક્ષમતાને પ્રોત્સાહન મળ્યું હતું. મહોત્સવમાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિવિધ વિષયોને નાટ્ય સ્વરૂપે રજૂ કરી પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો.
ગુજકોસ્ટ દ્વારા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ટીમોમાં પ્રથમ વિજેતા નાટકને રૂ. ૫૧,૦૦૦, દ્વિતીય વિજેતાને રૂ.૩૧,૦૦૦ તથા તૃતીય વિજેતાને રૂ. ૨૧,૦૦૦ રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ માટે પ્રત્યેક કેટેગરીમાં રૂ.૧૦,૦૦૦ના વિશેષ રોકડ પુરસ્કારો આપવામાં આવ્યા હતા.
રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા બનનારી ટીમ તા. ૨૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ નેહરુ સાયન્સ સેન્ટર, મુંબઈ ખાતે યોજાનાર પશ્ચિમ ઝોનલ સાયન્સ ડ્રામા સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે અને ત્યારબાદ ઝોનલ વિજેતા ટીમ તા. ૬ જાન્યુઆરી ૨૦૨૭ ના રોજ સાયન્સ સિટી, કોલકાતા ખાતે યોજાનારા રાષ્ટ્રીય ગ્રાન્ડ ફિનાલેમાં સહભાગી થશે.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા કલા અને રંગભૂમિ ક્ષેત્રના અગ્રણીઓ પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદી, શ્રી સંજય ગોરડિયા, શ્રી વિરલ રાચ્છ અને શ્રી ભરત યાજ્ઞિક ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે નાટકોના મૂલ્યાંકન માટે શ્રી નયન ભટ્ટ, શ્રી અરવિંદ રાવલ, શ્રી રાજુ યાજ્ઞિક, શ્રી કપિલ દેવ શુક્લ અને શ્રી અખ્તર સૈયદ જેવા અનુભવી તજજ્ઞોની પેનલ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. આ તકે ગુજકોસ્ટનાં ડાયરેક્ટર જનરલ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, રિજનલ સાયન્સ સેન્ટર, રાજકોટના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સુમિત વ્યાસ, રિજનલ સાયન્સ સેન્ટર,જામનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જ્યોતિન કટેશિયા ઉપસ્થિત રહ્યા હતા.











