8 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શેઠશ્રી ટી.પી. હાઈસ્કૂલ, માલણ ખાતે ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ નિમિતે શાળામાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી ઉત્સાહ અને આનંદપૂર્વક કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં શિક્ષકની જવાબદારી, શિસ્ત, નેતૃત્વ અને શિક્ષણકાર્યની સમજ વિકસાવવાનો હતો.આ પ્રસંગે ધોરણ 10 અને 12ના પસંદગીના વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા સંભાળી હતી. વિદ્યાર્થીઓએ વિવિધ વર્ગોમાં જઈને વિષયવાર શિક્ષણકાર્ય કરાવ્યું તેમજ વર્ગવ્યવસ્થા અને શિસ્ત જાળવવાની જવાબદારી નિભાવી હતી. વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે પાઠ આયોજન, પ્રશ્નોત્તરી, પુનરાવર્તન અને મૂલ્યાંકન જેવી પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે શિક્ષકની ભૂમિકા માત્ર ભણાવવાની નથી, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને સારા નાગરિક ઘડતરમાં પણ શિક્ષકનું મહત્વપૂર્ણ યોગદાન છે. સ્વયં શિક્ષક તરીકેની ભૂમિકા ભજવવાથી વિદ્યાર્થીઓને શિક્ષકના કાર્યની જવાબદારી અને મહત્ત્વનો પ્રત્યક્ષ અનુભવ થયો.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓના કાર્યનું અવલોકન કરી શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાળાના શિક્ષકોના માર્ગદર્શન અને વિદ્યાર્થીઓના ઉત્સાહપૂર્ણ સહકારથી સફળતાપૂર્વક સંપન્ન થયો. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી આર.જે.સોની અને ડૉ.કે.જે.કકકડે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્યશ્રી ડો.રાજેશ પ્રજાપતિએ તમામને અભિનંદન પાઠવ્યા હતા.










