શ્રી શક્તિ સેવા કેન્દ્રની સખી મંડળની બહેનો રોજના 500થી વધુ દીવડા બનાવે છે, સ્વદેશી અપનાવવા લોકોને અપીલ

3 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

અંબાજીમાં આદિવાસી બહેનોના હાથે તૈયાર થઈ રહ્યા છે દેશી માટીના દિવડા.દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રકાશના પર્વ દિવાળીની તૈયારીઓનો માહોલ સર્વત્ર જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવારમાં દીવડા પ્રગટાવવાનું વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ રહેલું છે. એક તરફ બજારોમાં ચાઈનીઝ લાઈટિંગ અને રંગબેરંગી ડેકોરેશનની બોલબાલા જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ પરંપરાગત માટીના કોડિયામાં તેલ પૂરી આસ્થાની જ્યોત પ્રગટાવવાની પરંપરા પણ આજે એટલી જ જીવંત છે. જેને લઈને માટીના દીવડા બનાવતા કારીગરો પૂરજોશમાં કામગીરી કરી રહ્યા છે.યાત્રાધામ અંબાજી ખાતે શ્રી શક્તિ સેવા કેન્દ્ર સાથે જોડાયેલી સખી મંડળની આદિવાસી બહેનો પણ દિવાળીના પર્વને લઈને માટીના દીવડા બનાવવાની કામગીરીમાં વ્યસ્ત બની છે. ખાસ વાત એ છે કે આ બહેનો ઇલેક્ટ્રિક ચાકડાની મદદથી દરરોજ એક બહેન 500થી વધુ માટીના દીવડા તૈયાર કરી રહી છે. પોતાના હાથની કળા અને મહેનતના આધારે આ બહેનો આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહી છે.એક સમય હતો જ્યારે આદિવાસી બહેનો જંગલમાંથી લાકડાં કાપીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવતી હતી, પરંતુ હવે શ્રી શક્તિ સેવા કેન્દ્રના માર્ગદર્શન હેઠળ માટીના દીવડા સહિતની વિવિધ ચીજવસ્તુઓ બનાવવાની તાલીમ મેળવી તેનું વેચાણ કરીને આર્થિક રીતે પગભર બની રહી છે. આ બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતા દેશી માટીના દીવડાઓ માત્ર અંબાજી શહેર પૂરતા મર્યાદિત નથી, પરંતુ અન્ય શહેરોમાં પણ મોકલવામાં આવી રહ્યા છે. હાલ બહેનો વારાફરતી મોટી સંખ્યામાં દીવડા તૈયાર કરી તેનું પેકિંગ કરવાની કામગીરીમાં જોડાઈ છે.આ વર્ષે દિવાળીને ધ્યાનમાં રાખીને ખાસ પ્રકારના દીવડાઓ પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં માતા લક્ષ્મીજી માટે ચોખા વાળા દીવડા અને ભગવાન ગણેશજી માટે મગ વાળા દીવડાઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.આ પ્રસંગે વર્ષાબેન જોશીએ લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે દિવાળીના પર્વમાં વધુમાં વધુ લોકો માટીના દેશી કોડિયામાં દીવડા પ્રગટાવે અને સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપે. આદિવાસી બહેનોના હાથે તૈયાર થયેલા દીવડાઓની ખરીદી કરીને તેમને પ્રોત્સાહન આપે, જેથી તેમની મહેનતને યોગ્ય પ્રોત્સાહન મળે અને તેઓ આત્મનિર્ભર બની શકે.માટીના દીવડા બનાવવાની કળા શીખીને આદિવાસી બહેનો પણ આનંદ અને આત્મસંતોષ વ્યક્ત કરી રહી છે. એક તરફ સ્વદેશી પરંપરાનું જતન થઈ રહ્યું છે, તો બીજી તરફ આદિવાસી મહિલાઓને રોજગારીની નવી તક મળી રહી છે. આમ, અંબાજીની આ બહેનોના હાથે તૈયાર થતા માટીના દીવડા આ દિવાળીએ માત્ર ઘરોમાં પ્રકાશ જ નહીં, પરંતુ અનેક પરિવારોના જીવનમાં આત્મનિર્ભરતાનો નવો ઉજાસ પણ પાથરી રહ્યા છે. તસવીર- અહેવાલ મહેન્દ્ર અગ્રવાલ

60
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો