MORBI: મોરબી પાટીદાર નવરાત્રીમાં ખેલૈયાઓ માટે નવું નજરાણું: ગરબા સંપન્ન થયા બાદ દરરોજ યોજાશે “પાટીદાર પરીંદે” મંડલી રાસ

મોરબીમાં સામાજિક સેવા ક્ષેત્રે અગ્રેસર રહેતા અજય લોરીયા દ્વારા સંચાલિત ‘સેવા એ જ સંપત્તિ’ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવ દર વર્ષે ખેલૈયાઓ માટે અવનવા આકર્ષણો અને ઉત્સાહ લાવવા માટે જાણીતો છે. શહીદ જવાનોના પરિવારોના લાભાર્થે યોજાતા આ ગરિમાપૂર્ણ ગરબા મહોત્સવમાં આ વર્ષે ખેલૈયાઓ માટે વિશેષ આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે.

આ વર્ષે સિઝન પાસ ધારક ખેલૈયાઓ માટે ખાસ “પાટીદાર પરીંદે” (મંડલી રાસ) નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવરાત્રીના નવેય દિવસ રાત્રે રાબેતા મુજબ જગદંબાના ગરબા સંપન્ન થયા બાદ દરરોજ મંડલી રાસની રમઝટ બોલાવવામાં આવશે. પરંપરાગત શૈલીના મંડલી રાસથી ખેલૈયાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળશે.
ખાસ નોંધ:આ વિશેષ “પાટીદાર પરીંદે” (મંડલી રાસ)નો લાભ માત્ર અને માત્ર સિઝન પાસ મેળવનાર ખેલૈયાઓ જ લઈ શકશે. આ અનોખા આયોજનને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.












