કુબેરનગર ITIથી રાજ્યની 289 સરકારી ITI માટે ‘ગણવેશ સહાય યોજના’નો રાજ્યવ્યાપી પ્રારંભ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા અમદાવાદની કુબેરનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે રાજ્યની તમામ સરકારી ITIના તાલીમાર્થીઓ માટે ‘ગણવેશ સહાય યોજના’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો. આ યોજનાનો શુભારંભ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા તથા ધારાસભ્ય ડૉ. પાયલ કૂકરાણીની ઉપસ્થિતિમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમને સંબોધતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે રાજ્યની 289 સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ માટે આ યોજના માત્ર ગણવેશ પૂરતી મર્યાદિત નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં શિસ્ત, વ્યાવસાયિકતા, આત્મવિશ્વાસ અને આગવી ઓળખ વિકસાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. વ્યવસાયલક્ષી શિક્ષણ સાથે વ્યક્તિત્વ વિકાસને પણ સમાન પ્રાધાન્ય આપવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા આ યોજના દ્વારા વધુ મજબૂત બની છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમલમાં આવેલી આ યોજના માટે નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં આશરે રૂ. 30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. યોજના અંતર્ગત રાજ્યના અંદાજે 1.5 લાખ તાલીમાર્થીઓને વર્ષમાં બે જોડી ગણવેશ માટે પ્રત્યેક વિદ્યાર્થીના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે રૂ. 2,000ની સીધી સહાય જમા કરાવવામાં આવશે.

કુંવરજીભાઈ બાવળીયાએ રાજ્યમાં કૌશલ્ય શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ITI પ્રત્યે વિદ્યાર્થીઓનો વિશ્વાસ સતત વધ્યો છે. આ વર્ષે 90થી 95 ટકા જેટલી બેઠકો ભરાઈ જવી એ તેનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. આધુનિક ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમોમાં પણ સતત સુધારા કરવામાં આવી રહ્યા છે. તેમણે કૌશલ્યા ધી સ્કીલ યુનિવર્સિટી ખાતે ચાલી રહેલી એડવાન્સ્ડ ડ્રોન ટેકનોલોજી તાલીમનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેમાં અભ્યાસ કરતા 35 જેટલા વિદ્યાર્થીઓમાંથી લગભગ અડધા વિદ્યાર્થીઓ ITI બેકગ્રાઉન્ડ ધરાવે છે, જે કૌશલ્ય આધારિત શિક્ષણની વધતી સ્વીકાર્યતા દર્શાવે છે.

રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત-2047’ના વિઝનને સાકાર કરવામાં ગુજરાત સરકાર કૌશલ્ય વિકાસને સૌથી મહત્વપૂર્ણ આધારસ્તંભ તરીકે આગળ ધપાવી રહી છે. રાજ્યની ITI સંસ્થાઓને અત્યાધુનિક સાધનો, આધુનિક તાલીમ અને વૈશ્વિક ધોરણોની સુવિધાઓથી સજ્જ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી રાજ્યના યુવાનો માત્ર દેશ પૂરતા નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રોજગારીની નવી તકો મેળવી શકે.

ધારાસભ્ય ડૉ. પાયલ કૂકરાણીએ યુવાનોને સંબોધતા જણાવ્યું કે તાજેતરમાં યોજાયેલા રોજગાર મેળાઓમાં અનેક એવા યુવાનો જોવા મળ્યા છે, જેઓ અગાઉ ITIમાંથી તાલીમ મેળવી આજે ઇન્ટરવ્યુઅર તરીકે પાછા ફર્યા છે. તેમણે જનરેશન ઝેડના યુવાનોને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના યુવા વયે આપેલા ઐતિહાસિક બલિદાનનું સ્મરણ કરાવી પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવા અપીલ કરી.

કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અમલમાં રહેલી અન્ય મહત્વપૂર્ણ કૌશલ્ય વિકાસ યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. રાજ્યની ITIમાં પ્રવેશ મેળવનારી વિદ્યાર્થીનીઓને ‘નમો કૌશલ્ય લક્ષ્મી યોજના’ હેઠળ પ્રથમ વર્ષે રૂ. 15,000 અને બીજા વર્ષે રૂ. 9,000 એમ કુલ રૂ. 24,000ની આર્થિક સહાય આપવામાં આવશે. દિવ્યાંગ તાલીમાર્થીઓને ITI કેન્દ્રો સુધી સરળતાથી પહોંચી શકે તે માટે રૂ. 3,000ની મુસાફરી સહાય પણ આપવામાં આવશે.

તાલીમાર્થીઓમાં સ્પર્ધાત્મકતા અને શ્રેષ્ઠ કૌશલ્યને પ્રોત્સાહન આપવા ‘વિશ્વકર્મા કૌશલ્ય સ્પર્ધા’નું પણ આયોજન કરવામાં આવશે. સ્પર્ધામાં જિલ્લા કક્ષાના વિજેતાઓને રૂ. 7,000, પ્રાદેશિક કક્ષાના વિજેતાઓને રૂ. 25,000 અને રાજ્ય કક્ષાના વિજેતાઓને રૂ. 50,000ના રોકડ પુરસ્કારો એનાયત કરવામાં આવશે.

કાર્યક્રમમાં રોજગાર અને તાલીમ નિયામક એ. કે. વસ્તાણી, અધિક નિયામક નીલાંજલા રાજપૂત, કુબેરનગર ITIના પ્રિન્સિપાલ નિરવભાઈ દેસાઈ, કોર્પોરેટર સન્નીભાઈ ખાનચંદાની, મંજુલાબહેન ઠાકુર, કમલેશભાઈ પટેલ સહિત શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રાજ્યની તમામ સરકારી ITIના તાલીમાર્થીઓ વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમ સાથે જોડાયા હતા.

રાજ્ય સરકારની આ નવી પહેલને કૌશલ્ય વિકાસ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે. ગણવેશ સહાય યોજનાથી તાલીમાર્થીઓમાં વ્યાવસાયિક અભિગમ વધુ મજબૂત બનશે, સાથે જ તેમને રોજગારલક્ષી શિક્ષણ સાથે આત્મવિશ્વાસ અને સમાનતાની ભાવના વિકસાવવામાં પણ મદદ મળશે.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો