અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં ગ્રામ સેવકોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો, માંગણીઓ સ્વીકારવામાં ન આવતા ગ્રામ સેવકો હડતાળ પર,હડતાળ વચ્ચે પણ કામગીરી..!!!
મેઘરજ તાલુકામાં ગ્રામ સેવકોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો, વિરોધ વચ્ચે પણ ખેડૂતોની કામગીરી ચાલુ રાખી

મેઘરજ: ગુજરાત ગ્રામ સેવક મહામંડળ દ્વારા લાંબા સમયથી પડતર માંગણીઓ અંગે સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં માંગણીઓનો ઉકેલ ન આવતા રાજ્યના ગ્રામ સેવકો હડતાળ પર ઉતર્યા છે. મહામંડળ દ્વારા અલ્ટીમેટમ આપ્યા બાદ રાજ્યભરના ગ્રામ સેવકો હડતાળમાં જોડાયા છે.
મેઘરજ તાલુકામાં પણ ગ્રામ સેવકોએ કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. જોકે, વિરોધ દરમિયાન પણ ગ્રામ સેવકોએ ખેડૂતોને લગતી જરૂરી કામગીરી ચાલુ રાખી હતી ગ્રામ સેવકોની મુખ્ય માંગણીઓમાં ગ્રામ સેવક કેડરને અગાઉ મળતું 4200 ગ્રેડ પે સાથેનું ઉચ્ચતર પગાર ધોરણ પુનઃ લાગુ કરવું, કામગીરી માટે ટેબલેટ, લેપટોપ, ઈન્ટરનેટ સહિતની સાધનિક સુવિધાઓ પૂરી પાડવી, કામગીરીનું ભારણ ઘટાડવું અને દર બે ગામ દીઠ એક ગ્રામ સેવકનું મહેકમ મંજૂર કરી સત્વરે નિમણૂક કરવી જેવી માંગણીઓનો સમાવેશ થાય છે.
ગ્રામ સેવકોના જણાવ્યા મુજબ ઓનલાઈન પોર્ટલ પર કામગીરી કરવા માટે પૂરતા પ્રમાણમાં કમ્પ્યુટર સહિતની સુવિધાઓ આપવામાં આવતી નથી. તેમજ વેરિફિકેશન એપ અને અન્ય મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવા છતાં તેના માટે કોઈ પ્રકારનું ભથ્થું આપવામાં આવતું નથી આ ઉપરાંત ગ્રામ સેવક કેડરમાં 10 વર્ષ બાદ મળતા ઉચ્ચતર પગાર ધોરણમાં ઘટાડો કરી 2800 કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી તેને ફરીથી 4200 ગ્રેડ પે કરવા માંગ કરવામાં આવી છે. સાથે જ પ્રમોશનની તકોમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાનો પણ ગ્રામ સેવકોએ આક્ષેપ કર્યો છે.
ગ્રામ સેવકો દ્વારા મુસાફરી ભથ્થું પણ ખૂબ ઓછું મળતું હોવાની રજૂઆત કરવામાં આવી છે. એક ગ્રામ સેવકને અંદાજે 12થી 15 ગામોની જવાબદારી સોંપવામાં આવતી હોવાથી સમયસર કામગીરી કરવી મુશ્કેલ બનતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.ગ્રામ સેવકોએ સરકાર સમક્ષ પડતર માંગણીઓનો સત્વરે ઉકેલ લાવી કામગીરીનું ભારણ ઘટાડવા તથા જરૂરી સાધન-સુવિધાઓ અને યોગ્ય મહેકમ ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે.










