TANKARA ટંકારા હરબટીયાળી પ્રા. શાળા ખાતે ‘પોષણ માસ’ અને ‘ગણેશ પર્વ’ અંતર્ગત બિસ્કિટ સ્પર્ધા યોજાઈ: સમતોલ આહાર અને આરોગ્ય અંગે અપાયું માર્ગદર્શન

ટંકારા તાલુકાની શ્રી હરબટીયાળી પ્રાથમિક શાળા ખાતે તાજેતરમાં ‘પોષણ માસ’ તથા ‘ગણપતિ પર્વ’ના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે એક અનોખી અને રસપ્રદ બિસ્કિટ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે આયોજિત આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક કુલ ૨૦ બાળકોએ ભાગ લીધો હતો, જેમાં ૬ વિદ્યાર્થીનીઓ પણ જોડાઈ હતી. સ્પર્ધા કુલ ૨ રાઉન્ડમાં યોજવામાં આવી હતી. ‘વ્હેલા તે પહેલા’ના ધોરણે જે બાળક નિર્ધારિત સમયમાં વધુ બિસ્કિટ ખાઈ શકે તેને વિજેતા જાહેર કરવાનો નિયમ રાખવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં સ્વાસ્થ્યવર્ધક ગણાતા પારલે-જી બિસ્કિટ રાખવામાં આવ્યા હતા. રસાકસીભરી સ્પર્ધાના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કુલ ૩ વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના સમાપન પ્રસંગે શાળાના આચાર્યશ્રી હરેશભાઈ માણાવદરિયા દ્વારા ‘રાષ્ટ્રીય પોષણ માસ’ અંતર્ગત વિદ્યાર્થીઓને દૈનિક જીવનમાં સમતોલ આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળા પરિવારના દેવજીભાઈ પડસુંબિયા, મહેશભાઈ વીસપરા, જયસુખભાઈ, રાજેશભાઈ વાધરિયા, દિનેશભાઈ મેંદપરા તેમજ પારૂલબેન અંબાણી અને શિલ્પાબેન દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર અને ઉત્તમ સ્વાસ્થ્ય જાળવવા અંગે રસપ્રદ તથા પ્રેરક માહિતી પૂરી પાડવામાં આવી હતી.

સમગ્ર સ્પર્ધાનું સુવ્યવસ્થિત સંચાલન અને આયોજન જી.એમ. સાંચલા દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના તમામ બાળકોએ ઉત્સાહ અને ઉમંગભેર આ સ્પર્ધામાં ભાગ લઈ કાર્યક્રમને મનભરીને માણ્યો હતો.












