જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સોજીત્રા સાહેબ તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી પ્રફુલ જાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર) દ્વારા કાઉન્સેલિંગના માધ્યમથી એક દંપતી વચ્ચે સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, અરજદાર બહેનનાં લગ્નને આશરે બે વર્ષ જેટલો સમય થયો હતો. લગ્નજીવનના શરૂઆતના એક વર્ષ સુધી ઘરનું વાતાવરણ સામાન્ય રહ્યું હતું, પરંતુ ત્યારબાદ ઘરકામ બાબતે સાસુ દ્વારા હેરાનગતિ અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની રજૂઆત અરજદાર બહેન દ્વારા કરવામાં આવી હતી. આ પરિસ્થિતિને કારણે બહેન વારંવાર પિયર જતી રહેતી હતી. બીજી તરફ, પતિએ પણ પિયર પક્ષ તરફથી થતી ચઢામણીને કારણે પારિવારિક વિવાદ વધતો હોવાની રજૂઆત કરી હતી. આ મામલે કેશોદ મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર એસ.આર.મહીડા તથા જે.એસ. ગોંડલીયા દ્વારા બંને પક્ષોને વારંવાર કાઉન્સેલિંગ માટે બોલાવી સમજાવટ કરવામાં આવી હતી. પતિને પોતાની માતા સાથે કેન્દ્ર ખાતે ઉપસ્થિત રહેવા જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પતિ અને તેમની માતા સાથે બેઠક યોજી પારિવારિક પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી તથા સમાધાન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અરજદાર બહેન અલગ મકાનમાં રહેવાની ઇચ્છા ધરાવતાં હતાં, જ્યારે પતિની આર્થિક પરિસ્થિતિ અલગ મકાનમાં રહેવા માટે અનુકૂળ ન હોવાથી આ મુદ્દે પણ બંને પક્ષો વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રના કાઉન્સેલરો દ્વારા સંયુક્ત બેઠક અને લાંબા સમય સુધી સમજાવટ કરીને બંને પક્ષોને એકબીજાની લાગણીઓ, જવાબદારીઓ અને પારિવારિક સંબંધોનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. આખરે સતત કાઉન્સેલિંગ અને સમજાવટના પરિણામે અરજદાર બહેન સાસરીમાં પરત જવા સંમત થયાં હતાં. બંને પક્ષોએ પોતાની ભૂલો સ્વીકારી, પરસ્પર સમજણ કેળવી અને લેખિત સમજૂતી સાથે સમાધાન કર્યું હતું. આમ, મહિલા સહાયતા કેન્દ્રના અસરકારક પ્રયાસોથી પતિ, પત્ની અને સાસુ વચ્ચેનો વિવાદ ઉકેલવામાં સફળતા મળી હતી અને એક પરિવારને ફરીથી સાથે રહેવાની નવી તક મળી હતી. સમાધાન બાદ અરજદાર બહેન તથા તેમના પતિ દ્વારા મહિલા સહાયતા કેન્દ્રના અધિકારીઓ અને કાઉન્સેલરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહિલા સહાયતા કેન્દ્રનો આ પ્રયાસ પારિવારિક વિવાદોના નિરાકરણમાં કાઉન્સેલિંગ, સંવાદ અને પરસ્પર સમજણની મહત્તા દર્શાવે છે.

બ્યુરો રીપોર્ટ – કેશોદ










