યુવાનોમાં ઝડપથી લોકપ્રિય થઈ રહેલા તમાકુ મુક્ત નિકોટિન પાઉચના વેચાણ, જાહેરાત અને ડિસ્ટ્રિબ્યુશન પર સરકારે રોક લગાવી દીધી છે. સાથે જ નિકોટિન પાઉચને જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો છે. તમાકુ-મુક્તના નામે વેચાઈ રહેલા આ સિન્થેટિક નિકોટિન પાઉચને આરોગ્ય નિષ્ણાતોએ યુવાનો માટે અત્યંત નશીલા અને હૃદય તથા મગજ માટે ખૂબ જ ખતરનાક ગણાવ્યા છે.

સરકાર દ્વારા પાનના ગલ્લા, ઈ-કોમર્સ સાઇટ્સ અને સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને લક્ષ્ય બનાવતા આ નવા પ્રકારના નશાના પ્રસાર પર પૂર્ણપણે રોક લગાવવા માટે આ કડક પગલું ભરવામાં આવ્યું છે. દેશમાં તમાકુના કારણે દર વર્ષે 13.5 લાખ લોકોના મોત થાય છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કડક સૂચનાઓ આપી છે કે તેઓ ઈ-સિગારેટ પ્રતિબંધ કાયદા(PECA 2019) અને ખાદ્ય સુરક્ષા ધોરણો(FSSAI) હેઠળ આ ઉત્પાદનોના ઓનલાઇન અને ઓફલાઇન બજારો પર તાત્કાલિક દરોડા પાડે.
જણાવી દઈએ કે મોટી તમાકુ કંપનીઓ હવે સિગરેટના વિકલ્પ તરીકે નિકોટિન પાઉચને પ્રોત્સાહન આપી રહી છે. આ પાઉચથી કંપનીઓને સારો નફો અને ઝડપી વૃદ્ધિ મળી રહી છે. સાથે જ તેના પર હજુ સુધી કડક નિયમો પણ લાગુ નથી. સરકારે ઈ-સિગરેટ પર તો સંપૂર્ણપણે બેન લગાવી દીધો હતો, પરંતુ નિકોટિન પેચ અને ચ્યુઈંગ ગમ જેવી વસ્તુઓને વેચવાની મંજૂરી આપી રાખેલ છે.
નિકોટિન પાઉચના નાના-નાના પેકેટ હોય છે, જેને હોઠ અને પેઢા વચ્ચે રાખવામાં આવે છે. તેમાં નિકોટિન હોય છે, પરંતુ તમાકુ હોતું નથી. તેને ભારતમાં વેચવાની કોઈ સરકારી મંજૂરી નથી, તેથી આ સંપૂર્ણપણે ગેરકાયદે છે. આમ છતાં એમની તસ્કરી કરીને તેમને ચોરી-છૂપીથી ઓનલાઇન કે સ્થાનિક દુકાનો પર વેચવામાં આવી રહ્યા છે.
એક સરકારી અભ્યાસ મુજબ, કોઈ પણ નિયમ-કાયદા વગર વેચાઈ રહેલા આ પાઉચ લોકોના આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય છે. 18થી 40 વર્ષના યુવાનો વચ્ચે ‘ઝિન’ અને ‘વ્હાઇટ ફોક્સ’ જેવી વિદેશી બ્રાન્ડ્સનો ક્રેઝ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.











