
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા જાહેર કરાયેલા રાજ્યવ્યાપી આંદોલનના બીજા તબક્કાના કાર્યક્રમ અંતર્ગત આજે ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ છોટાઉદેપુર જિલ્લાના ગ્રામસેવકોએ જિલ્લા કલેક્ટર કચેરી તથા જિલ્લા વિકાસ અધિકારીની કચેરી ખાતે આવેદનપત્ર આપી પોતાની વિવિધ પડતર માંગણીઓના તાત્કાલિક નિરાકરણની માંગ કરી હતી.
જિલ્લાભરના ગ્રામસેવકો એકત્રિત થઈ શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર સુપરત કર્યું હતું. ગ્રામસેવકોનું કહેવું છે કે લાંબા સમયથી વિવિધ પડતર પ્રશ્નો, અન્ય સંવર્ગોની કામગીરીનો વધતો બોજ અને વારંવાર કરવામાં આવેલી રજૂઆતો છતાં સરકાર તરફથી કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી. જેના કારણે રાજ્યવ્યાપી આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી છે.
ગ્રામસેવક મહામંડળે જણાવ્યું છે કે જો સરકાર દ્વારા માંગણીઓનો વહેલી તકે સંતોષકારક ઉકેલ નહીં લાવવામાં આવે, તો જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ આગામી દિવસોમાં ૧૪ સપ્ટેમ્બરે સરકારી વોટ્સએપ ગ્રૂપમાંથી લેફ્ટ થવું, ૨૧ સપ્ટેમ્બરે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર, ૨૫ સપ્ટેમ્બરે પેન ડાઉન, ૧ ઓક્ટોબરે માસ સી.એલ. તથા ૨ ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ જેવા કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવશે.
ગ્રામસેવકોએ સરકારને વહેલી તકે હકારાત્મક નિર્ણય લઈ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની અપીલ કરી છે. જો તેમ નહીં થાય તો તેના કારણે સર્જાનારી વહીવટી તેમજ ગ્રામ વિકાસ સંબંધિત પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી સરકાર અને વહીવટી તંત્રની રહેશે.
રિપોર્ટર તોસીફ ખત્રી








