બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ તાલુકામાં મહેસૂલી કામગીરીને વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બનાવવા માટે મહેસૂલી તલાટીઓને સેજા ફાળવણી તથા ગ્રામ્ય કક્ષાએ નિયમિત ક્ષેત્રિય કામગીરી કરવા અંગે તાલુકા કચેરી દ્વારા મહત્વપૂર્ણ હુકમ કરવામાં આવ્યો છે.
સરકારના માર્ગદર્શક પરિપત્રો તથા મહેસૂલ વિભાગના ઠરાવો અનુસાર મહેસૂલી તલાટીઓને તેમના કાર્યક્ષેત્રના ગામોની સેજા ફાળવી સેજાના મુખ્ય મથકેથી ક્ષેત્રિય કામગીરી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા કલેકટર, ભરૂચ દ્વારા નેત્રંગ તાલુકામાં મહેસૂલી તલાટી સંવર્ગમાં એડહોક ધોરણે નિમણૂક કરાયેલા કુલ 10 મહેસૂલી તલાટીઓ તાલુકા ખાતે હાજર થયા હતા.
દરમિયાન, નેત્રંગ તાલુકાના કુલ 4 મહેસૂલી તલાટીઓને ભૂમિસીમાંકન અંતર્ગત રિ-સર્વે પ્રમોલગેશન બાદની વાંધા નિકાલ કામગીરી માટે ઓક્ટોબર-2026ના અંત સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સુપ્રિટેન્ડન્ટ લેન્ડ રેકર્ડ, ભરૂચ હસ્તક કામગીરી કરવા હુકમ કરવામાં આવ્યો હતો. આ કર્મચારીઓને તાલુકા કચેરીમાંથી છૂટા કરી તેમની સેજા ફાળવણી અંગે ફેરહુકમ પણ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ જિલ્લા કલેકટર, ભરૂચ દ્વારા સેજાના પુનર્ગઠન અંગે હુકમ કરવામાં આવતા નેત્રંગ તાલુકાના મહેસૂલી તલાટીઓને નવી વ્યવસ્થા મુજબ નિર્ધારિત દિવસોએ સંબંધિત ગ્રામ પંચાયત ખાતે હાજર રહી કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે.
ગ્રામ પંચાયત કક્ષાએ હાજરી ફરજિયાત
હુકમ મુજબ સંબંધિત મહેસૂલી તલાટીઓએ તેમના નામની સામે દર્શાવેલ સેજા મુજબની ગ્રામ પંચાયતમાં નિર્ધારિત દિવસોએ હાજર રહી મહેસૂલી કામગીરી તેમજ ક્ષેત્રિય કામગીરી કરવાની રહેશે. આ હુકમનો તાત્કાલિક અમલ કરવાનો રહેશે.
આ વ્યવસ્થાથી ગ્રામ્ય વિસ્તારમાં મહેસૂલી સેવાઓ માટે લોકોને તાલુકા કચેરી સુધી વારંવાર ધક્કા ખાવાની જરૂરિયાત ઘટે અને સેજા કક્ષાએ જ મહેસૂલી કામગીરી વધુ સરળતાથી ઉપલબ્ધ બને તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
જોકે, આ કાર્યક્રમ સામાન્ય દિવસોમાં લાગુ પડશે. ચૂંટણી સહિતની રાષ્ટ્રીય કામગીરી, કોર્ટ સંબંધિત કામગીરી તેમજ અન્ય સેજાની સોંપવામાં આવેલી વધારાની કામગીરી દરમિયાન આ કાર્યક્રમ લાગુ પડશે નહીં.
તાલુકા વહીવટી તંત્ર દ્વારા મહેસૂલી તલાટીઓને સોંપવામાં આવેલી જવાબદારીઓનું સમયસર અને નિયમિત પાલન કરવા સૂચના આપવામાં આવી છે.








