શિવજીપુરા શિવધામે શ્રાવણ માસની ઉજવણી: શાળાના બાળકો સાથે મહાપ્રસાદ અને શિક્ષણ સુધારણાનો સંકલ્પ

શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધનાનું વિશેષ મહત્ત્વ છે. ઉપવાસ, પૂજા-અર્ચના, જળાભિષેક અને ભંડારા સહિત વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓથી શ્રાવણ માસ ભક્તિમય બની રહ્યો છે. ત્યારે બોડેલી તાલુકાના છેવાડાના વિસ્તાર વાલોઠી નજીક આવેલા નાનકડા શિવજીપુરા ગામે પૌરાણિક શિવમંદિરે શ્રદ્ધા અને સેવાભાવનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. શિવજીપુરા ગામમાં આવેલું ભગવાન શિવનું પ્રાચીન મંદિર વર્ષોથી ગ્રામજનોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. મંદિરનું પૌરાણિક શિવલિંગ તેની પ્રાચીનતા અને આધ્યાત્મિક મહત્ત્વની સાક્ષી પૂરું પાડે છે. ગામનું નામ પણ ભગવાન શિવના આ પવિત્ર સ્થાન સાથે સંકળાયેલું હોવાનું ગ્રામજનો માને છે. શ્રાવણ માસના સોમવાર, મહાશિવરાત્રી તેમજ વિવિધ તહેવારોના પ્રસંગે ગામ ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે આવે છે. મંદિરના પૂજારી અલસીંગભાઈ દ્વારા ભાવિકોને પૂજા-દર્શન કરાવવામાં આવે છે. ગામની ભજન મંડળી દ્વારા ભજન-કીર્તનના કાર્યક્રમો યોજાતા સમગ્ર વાતાવરણ શિવમય બની જાય છે. શ્રાવણ માસ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ DJHRF અધ્યક્ષ મંજુલાબા ચૌહાણ તથા નટવરસિંહ ચૌહાણ દ્વારા ભગવાન શિવનું પૂજન-અર્ચન અને અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શિવજીપુરા પ્રાથમિક શાળાના આચાર્ય છગનાજી મારવાડી તથા શાળાના તમામ બાળકોએ શિવ ધૂન અને હર હર મહાદેવના નાદ સાથે ભગવાન શિવના દર્શન કરી જળાભિષેક કર્યો હતો. બાળકો માટે ભક્તિ સાથે સેવાનો સંદેશ આપ્યો જેમાં ધાર્મિક આસ્થા સાથે બાળકોમાં સંસ્કાર અને સેવાભાવનો સંદેશ પહોંચે તે હેતુથી શિવજીપુરા પ્રાથમિક શાળાના તમામ બાળકોનું હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશનના મહિલા અધ્યક્ષ મંજુલાબા ચૌહાણ દ્વારા પૂજન કરી પ્રેમપૂર્વક મહાપ્રસાદ જમાડવામાં આવ્યો હતો. બાળકોને બુંદી, રોટલા, શાક, દાળ-ભાત, પાપડ અને કચુંબર સહિતનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. બાળકોમાં પણ આ પ્રસંગને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારબાદ વાલોઠી ક્લસ્ટરના તમામ શિક્ષકોએ સાથે મળીને મહાપ્રસાદ લીધો હતો. શિક્ષણ ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોથી વાલોઠી ક્લસ્ટરે નોંધપાત્ર પ્રગતિ કરી અગ્રેસર સ્થાન મેળવ્યું છે ત્યારે ભવિષ્યમાં શિક્ષણની ગુણવત્તા વધુ ઉન્નત બને અને બાળકોના સર્વાંગી વિકાસ માટે નવા આયોજનો થાય તે અંગે સીઆરસી કો-ઓર્ડીનેટર નટવરસિંહ ચૌહાણ તથા ગિરીશભાઈ પરમાર દ્વારા વિવિધ વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. શિક્ષકો સાથે ચિંતન કરી ‘બાળદેવો ભવ’ ની ભાવનાને કેન્દ્રમાં રાખીને બાળકોના સર્વાંગી વિકાસ માટે વિશેષ પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ધાર્મિક આસ્થા સાથે શિક્ષણ અને સમાજસેવાનો સંદેશ આપતા આ સમગ્ર આયોજનને ગ્રામજનો તથા વિસ્તારના લોકોએ સરાહનીય ગણાવ્યું હતું.

રિપોર્ટર તોસીફ ખત્રી

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો