પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા 
પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આગામી ગણેશ મહોત્સવ અને ગણેશ વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા અને તહેવારો દરમિયાન નગરમાં શાંતિ અને સલામતીનો માહોલ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા ડૉ .હરેશભાઈ દુધાત IPS અને ડીવાયએસપી બિન્દ્રા જાડેજાની સીધી દેખરેખ અને નેતૃત્વ હેઠળ ગણેશ વિસર્જનના નિર્ધારિત રૂટ પર એક વિશાળ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.પોલીસ સ્ટેશનથી શરૂ થયેલી આ ફ્લેગ માર્ચ નગરના સંવેદનશીલ અને મુખ્ય વિસ્તારો જેવા કે હુસેની ચોક, હોળી ચકલા, મેઈન બજાર, મુખ્ય તળાવ અને બસ સ્ટેશન રોડ પર ફરીને પરત પોલીસ સ્ટેશન ખાતે સંપન્ન થઈ હતી. ફ્લેગ માર્ચ દરમિયાન જિલ્લા પોલીસ વડા દ્વારા ગણેશ વિસર્જન માટેના મુખ્ય તળાવ ખાતે પહોંચીને સુરક્ષા વ્યવસ્થાનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જરૂરી તમામ તકેદારીના પગલાં લેવા સૂચનાઓ આપી હતી. આ તકે જિલ્લા પોલીસ વડાએ ગણેશ મહોત્સવના આયોજકોને તહેવાર દરમિયાન ડીજેના નિયમો અને સરકારી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા તથા સમગ્ર ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા માટે ખાસ અપીલ કરી હતી.આ ફ્લેગ માર્ચમાં શહેરા પોલીસ મથકના પી.આઈ. એચ.વી. સીસારા સહિત પોલીસ કાફલો, હોમગાર્ડ અને ટી.આર.બી.ના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.








