વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

વાંસદા: વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરતા પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા ટીન બિયરના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ. 3.56 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે. પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે ધરમપુર-વાંસદા રોડ પરથી મારૂતિ સુઝુકી A-STAR કાર નંબર MH-02-BJ-2280ને અટકાવી તપાસ કરવામાં આવી હતી. કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા ટીન બિયરની કુલ 1,128 બોટલો, જેની કિંમત રૂ. 2,65,200, મળી આવી હતી. ઉપરાંત રૂ. 90,000ની કાર અને રૂ. 1,000નો મોબાઇલ ફોન મળી કુલ રૂ. 3,56,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ગોપાલ રાજુભાઇ બિશ્નોઇ (ઉં.વ. 32), વ્યવસાયે ડ્રાઇવિંગ, હાલ વાપી, મૂળ રાજસ્થાનના રહેવાસીને ઝડપી પાડ્યો હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર તથા લેનાર તરીકે ભાવેશ રબારી, રહે. રાજકોટ, ગોંડલ ચોકડી પાસેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે વાંસદા પોલીસ સ્ટેશનમાં પાર્ટ-સી ગુનો નં. 11822003261270/2026 હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ 65AE, 81, 98(2) અને 116(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એન.બી. આહિર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ, સુરત વિભાગ તથા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલની સૂચના અને વાંસદા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હરેશ ચાંદુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હોવાનું પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે.








