અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : નેશનલ ચિલ્ડ્રન સાયન્સ પરિષદની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ ૧૦ બાળ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

ગુજરાત સરકારના ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST)ના પ્રેરણાથી તથા મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત માતૃશ્રી રંજનાબેન પ્રતાપભાઈ ગોંગીવાલા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, અરવલ્લી દ્વારા નેશનલ ચિલ્ડ્રન સાયન્સ પરિષદ અંતર્ગત જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન ભામાશા હોલ, કોલેજ કેમ્પસ, મોડાસા ખાતે કરવામાં આવ્યું હતું.સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના વિસ્તારની સ્થાનિક સમસ્યાઓને ઓળખી તેના વૈજ્ઞાનિક અભિગમથી વ્યવહારુ ઉકેલ રજૂ કર્યા હતા. સ્પર્ધા દરમિયાન બાળ વૈજ્ઞાનિકોમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધનવૃત્તિ, સર્જનાત્મકતા તથા નવીન વિચારશક્તિનો પરિચય જોવા મળ્યો હતો.
આ પ્રસંગે અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈને બાળ વૈજ્ઞાનિકોને શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સતત આગળ વધવા પ્રેરણા આપી હતી તેમજ જરૂરી સહયોગ માટે જિલ્લા તંત્ર તેમની સાથે હોવાનું જણાવ્યું હતું.મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ વી. શાહ, મંત્રી ડૉ. આર.સી. મહેતા તથા સાયન્સ કોલેજના આચાર્ય ડૉ. કે.પી. પટેલે પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
સ્પર્ધામાં પાંચ અલગ-અલગ વિભાગોમાં રજૂ થયેલા પ્રોજેક્ટનું મૂલ્યાંકન ડૉ. દિનેશભાઈ ફુદાણી, ડૉ. વંદનાબેન પટેલ, ડૉ. ક્રિષ્નાબેન પટેલ, ડૉ. ઉર્વી ગુપ્તા તથા તન્મય પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની સ્પર્ધામાંથી પસંદ થયેલા ૧૦ પ્રોજેક્ટ આગામી દિવસોમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયેન્દ્ર પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના સંયોજક ચંદનબેન પટેલ, હિમાંશુભાઈ પરમાર તથા પાર્થ દવે દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.










