અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ ઘોષિત કરવાના સંકલ્પ સાથે આસામના ૨૨ વર્ષીય યુવાનની અવિરત ભારત પદયાત્રા : પોસાલિયા ખાતે કરાયું ભવ્ય સન્માન

ગૌરક્ષણ, સનાતન ધર્મનો પ્રચાર અને ગાય માતાને દેશમાં ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવા અંગે જનજાગૃતિ લાવવાના ઉમદા આશય સાથે આસામનો ૨૨ વર્ષીય યુવાન પ્રકાશ ચૌહાણ અખંડ ભારત પદભ્રમણ પર નીકળ્યો છે. પોતાના ખભા પર જ રહેવા-જમવાની વ્યવસ્થા અને પથારી સહિતનો સામાન ઊંચકી આત્મનિર્ભરતા સાથે નીકળેલો આ કર્મઠ યુવાન દરરોજ સરેરાશ ૩૦ કિલોમીટર પગપાળા ચાલે છે. આસામથી શરૂ થયેલી તેની આ યાત્રા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણા જેવા રાજ્યોમાંથી પસાર થઈને ૨૦૦ દિવસની અવિરત તપસ્યા બાદ રાજસ્થાનના પોસાલિયા પહોંચી હતી.પોસાલિયા ભંડારા ખાતે પહોંચતાં જ સંચાલક પ્રભુદાસભાઈ પટેલ દ્વારા પ્રકાશ ચૌહાણનું શાલ ઓઢાડી અને પુષ્પમાળા પહેરાવી ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામદેવ ઉપાસક પૂજ્ય હીરાદાદાએ આ પવિત્ર યાત્રાને બિરદાવી આગળના પ્રવાસ માટે આશીર્વાદ તેમજ શુભકામનાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં ઉમેદપુર (મોડાસા)થી નિવૃત્ત પીઆઈ કનુભાઈ બી. પટેલ, કેશાભાઈ ડી. પટેલ, જૈમિન પટેલ, રાજલ પટેલ, ઇસરોલથી દેવકરણભાઈ પી.પટેલ, નવનીતભાઈ ગલબાભાઈ પટેલ, હંસરાજ એન. પટેલ, અભિનવ પટેલ, જયશ્રીબેન એન.પટેલ, ધર્મિષ્ઠાબેન ડી. પટેલ, હિતેશ ડી. પટેલ, રિંકલ પટેલ, સાનવી, પ્રેય, જૈની, પ્રિશા તેમજ લાલપુરથી અશોકભાઈ પટેલ, ધર્મિષ્ઠાબેન પટેલ, શ્રેય અશોકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મુનપુર (કડાણા)થી કાન્તિભાઈ પટેલ, કોઠંબા (લુણાવાડા)થી રમેશભાઈ પટેલ, જગુના મુવાડાથી ડૉ. હરીશભાઈ પટેલ, કાનપુરથી ચેલજીભાઈ, વણજરથી મનુભાઈ પટેલ અને રેલકંપાથી વિનુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને સેવાભાવી ભક્તો હાજર રહ્યા હતા.










