રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૨.૯.૨૦૨૬
સરસ્વતી વિદ્યા મંદિર, હાલોલ ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27 અંતર્ગત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન –2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રમુખ, ટ્રસ્ટીઓ તથા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્યઓ દ્વારા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી તેને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, વેસ્ટ મેનેજમેન્ટ, અલ્ટરનેટિવ ટુ પ્લાસ્ટિક, ગ્રીન એનર્જી, ઈમર્જિંગ ટેક્નોલોજી, રિક્રિએશનલ મેથેમેટિકલ મોડેલિંગ, હેલ્થ એન્ડ હાઈજીન તથા વોટર કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ જેવા વિવિધ વિષયો આધારિત કુલ 59 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓએ રડાર, સેન્સર, બેટરી તેમજ વિવિધ આધુનિક સામગ્રીનો ઉપયોગ કરીને નવીન અને પ્રયોગાત્મક પ્રોજેક્ટ્સ તૈયાર કર્યા હતા. પ્રદર્શનમાં ભૂકંપ અને કુદરતી આફતો સમયે આપત્તિ વ્યવસ્થાપન તથા સલામતીના પગલાં, તેમજ આપત્તિના સમયે બચાવ કામગીરી અંગે જાગૃતિ ફેલાવતા વિવિધ મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા હતા.તાજેતરમાં અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનાના સંદર્ભને ધ્યાનમાં રાખીને આપત્તિના સમયે જરૂરી સાવચેતી, બચાવ કામગીરી અને સલામતી અંગેના પ્રોજેક્ટ્સ પણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત હેલ્મેટના ઉપયોગથી માર્ગ અકસ્માત દરમિયાન માથાની ઈજાથી બચાવ અંગે જાગૃતિ ફેલાવતા મોડેલ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.ગણિત વિભાગમાં પાયથાગોરસના પ્રમેય આધારિત વિવિધ મોડેલ્સ તથા અન્ય ગણિતીય પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓએ ગણિતને રસપ્રદ, સરળ અને પ્રયોગાત્મક રીતે રજૂ કર્યું હતું.શાળાના પ્રમુખ, ટ્રસ્ટીઓ તથા બંને માધ્યમના આચાર્યઓએ પ્રદર્શનની વિવિધ કૃતિઓનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓના પ્રયાસો અને સર્જનાત્મકતાને બિરદાવ્યા હતા. તેમણે વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.સમગ્ર પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓની મહેનત, સર્જનાત્મકતા, નવીન વિચારસરણી, વૈજ્ઞાનિક અભિગમ અને પ્રયોગાત્મક શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ પ્રશંસનીય રહ્યો હતો. આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા રજૂ કરવાની સાથે સમાજની વિવિધ સમસ્યાઓના વૈજ્ઞાનિક અને વ્યવહારુ ઉકેલો શોધવાની પ્રેરણા મળી હતી.સરસ્વતી વિદ્યા મંદિર, હાલોલ દ્વારા યોજાયેલ આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવા અને તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટેનું મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પગલું સાબિત થયું હતું.











