તા.06/10/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


ડૉ. એચ. એલ. ત્રિવેદીના જન્મસ્થળે નિર્મિત અદ્યતન સાર્વજનિક પુસ્તકાલય ગ્રામજનો અને અભ્યાસુઓ માટે ખુલ્લું મુકાયું; પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત આ 11મું પુસ્તકાલય, ચરાડવા; હળવદ તાલુકાના ઐતિહાસિક અને ગૌરવવંત ચરાડવા ગામે સોમવારે સાંજે એક પ્રેરણાદાયી અને ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો હતો. વિશ્વ વિખ્યાત કિડની સ્પેશિયાલિસ્ટ પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદી જ્યાં જન્મ્યા હતા, તે જ પિતૃક મકાનમાં ડૉ. જગદીશ ત્રિવેદી દ્વારા નવનિર્મિત ‘ડૉ. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલય’નું પરમ પૂજ્ય ભાગવતકથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે શ્રદ્ધા અને ઉત્સાહસભર માહોલમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ કિડની હોસ્પિટલના સ્થાપક સ્વ. ડૉ. એચ. એલ. ત્રિવેદી જ્યારે હૈયાત હતા, ત્યારે તેમની તીવ્ર ઈચ્છા હતી કે તેમના ચરાડવા સ્થિત પિતૃક નિવાસસ્થાનમાં ગ્રામજનો અને યુવાનો માટે એક સાર્વજનિક પુસ્તકાલય નિર્માણ પામે. સ્વપ્નદ્રષ્ટા ડૉ. ત્રિવેદીની આ ઈચ્છાને સમાજસેવક અને પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદી દ્વારા સાકાર કરવામાં આવી છે. નોંધનીય છે કે, ડૉ. જગદીશ ત્રિવેદી દ્વારા આયોજિત અને નિર્મિત આ ૧૧મું સાર્વજનિક પુસ્તકાલય છે, જે ગ્રામીણ વિસ્તારમાં જ્ઞાનની જ્યોત પ્રજ્વલિત રાખશે. આ ગૌરવવંતા પ્રસંગે ડૉ. એચ. એલ. ત્રિવેદીના ધર્મપત્ની સુનિતાબહેન ત્રિવેદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના સાંસદ ચંદુભાઈ શિહોરા, ધાંગધ્રા- હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જાણીતા હાસ્યસમ્રાટ અને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ ટી. એસ. જોષી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. ચેતનભાઈ ત્રિવેદી તેમજ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ સહિત શિક્ષણ, સાહિત્ય અને સામાજિક ક્ષેત્રના મહાનુભાવો અને મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે, જ્ઞાન અને પુસ્તક સંસ્કાર નિર્માણનું શ્રેષ્ઠ માધ્યમ છે. જન્મભૂમિ પ્રત્યેનું આ ઋણસ્વીકાર કાર્ય વંદનીય છે. સમારંભમાં ઉપસ્થિત વક્તાઓએ ડૉ. એચ. એલ. ત્રિવેદીની માનવસેવા અને ડૉ. જગદીશ ત્રિવેદીના અવિરત પુસ્તકાલય અભિયાનની સરાહના કરી હતી. લોકાર્પણ બાદ ગ્રામજનો અને શિક્ષકોએ નવનિર્મિત પુસ્તકાલયની મુલાકાત લઈ આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.










