પ્રેમીકાને જમીન આપી દેવાના ડરે પરિવારે જ પુત્રની હત્યા કરી આપઘાતનું નાટક રચ્યું; 6 આરોપીઓ જેલહવાલે

તા.07/10/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

પોલીસને જાણ કર્યા વિના ઉતાવળે અગ્નિસંસ્કાર કરી પુરાવાનો નાશ કરાયો હતો, LCB અને ચુડા પોલીસની ટીમે શંકાસ્પદ બનાવની ઊંડાણપૂર્વક તપાસ કરી ગુનો શોધી કાઢ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે બનેલા શંકાસ્પદ આત્મહત્યાના બનાવમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ચુડા પોલીસે ચોંકાવનારો પર્દાફાશ કર્યો છે. ગળેફાંસો ખાઈને આપઘાત કર્યાનું નાટક રચી, પોલીસને જાણ કર્યા વગર મૃતદેહના અગ્નિસંસ્કાર કરી દેવાના પ્રકરણમાં મૃતકના પોતાના જ કુટુંબીજનોએ મર્ડર કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ હત્યા કેસમાં સગા ભાઈ, માતા અને ભાભીઓ સહિત પરિવારના છ સભ્યોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગતો અનુસાર, ગત ૨ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ કોરડા ગામે રહેતા મહેશભાઈ ઉર્ફે ડફલી લાખાભાઈ રોજાસરા નામના યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધાની વાત વહેતી કરવામાં આવી હતી. જોકે, બનાવ અંગે કોઈ પણ પ્રકારની પોલીસ જાહેરાત કર્યા વગર કે પંચનામું કરાવ્યા વગર જ પરિવારે ઉતાવળે મૃતદેહની અંતિમવિધિ કરી પુરાવાનો નાશ કરી નાખ્યો હતો. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ નાઓની સૂચના અને લીંબડી ડીવાયએસપી વી. એમ. રબારીના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઇ, પીએસઆઇ, એએસઆઈ અમરકુમાર ગઢવી, જયપાલસિંહ રાઠોડ, મુન્નાભાઇ રાઠોડ, વજાભાઈ સાનીયા અને ચુડા પોલીસના પીઆઇ, પીએસઆઇ સહિત ટીમે આ શંકાસ્પદ બનાવની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. દરમિયાન, એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ કૃણાલસિંહ ઝાલા અને ભરતભાઈ સભાડને ચોક્કસ બાતમી મળી હતી કે મહેશની આત્મહત્યા નથી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. બાતમી મુજબ, મૃતક મહેશભાઈને દારૂ પીવાની કૂટેવ હતી અને તે અવારનવાર પરિવારજનોને ગાળો આપતો હતો. આ ઉપરાંત મહેશને રાજકોટની અન્ય જ્ઞાતિની સ્ત્રી સાથે પ્રેમસંબંધ હતો. પરિવારજનોને ડર હતો કે મહેશ પોતાના ભાગમાં આવતી ખેતીની જમીન આ પ્રેમીકાના નામે કરી દેશે. આ શંકા અને વહેમમાં પરિવારે ભેગા મળીને મહેશને આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો અને રૂમમાં લઈ જઈ ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ ગામમાં કે પ્રેમીકાને ખબર પડશે તો પોલીસ કેસ થશે તેવા ડરથી પરિવારે મહેશના મૃતદેહને દોરડા વડે છતના નકુચા સાથે બાંધી આપઘાત કર્યો હોવાનું ચિત્ર ઊભું કર્યું હતું. ત્યારબાદ દેકારો મચાવી આજુબાજુના લોકોને ભેગા કર્યા હતા અને તે જ દિવસે ઉતાવળે અગ્નિસંસ્કાર કરી નાખ્યા હતા. પોલીસે બાતમીના આધારે પરિવારના શકમંદ સભ્યોને હસ્તગત કરી યુક્તિ- પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને ગુનાની કબૂલાત કરી હતી. ચુડા પોલીસે તમામ આરોપી જેમાં સુરેશભાઈ લાખાભાઈ રોજાસરા મૃતકના ભાઈ, ઘનશ્યામભાઈ ભૂપતભાઈ રોજાસરા મૃતકના કુટુંબી ભાઈ, નિલેશભાઈ ઘનશ્યામભાઈ રોજાસરા મૃતકનો ભત્રીજો, મધુબેન વા/ઓ લાખાભાઈ રોજાસરા મૃતકના માતા, સુરતીબેન વા/ઓ ઘનશ્યામભાઈ રોજાસરા મૃતકના ભાભી, હેતલબેન વા/ઓ સુરેશભાઈ રોજાસરા મૃતકના ભાભી તમામ રહે. કોરડા, ચુડા સુરેન્દ્રનગર સામે મર્ડરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો