જૂનાગઢ વેટરનરી કોલેજ ખાતે વિશ્વ હડકવા દિવસ નિમિત્તે કેમ્પ: ૨૫૨ શ્વાન-બિલાડીઓનું હડકવા વિરોધી રસીકરણ અને આરોગ્ય તપાસણી કરાઈ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : વિશ્વ હડકવા દિવસ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે વેટરનરી ક્લિનિકલ કોમ્પ્લેક્સ, વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે નિઃશુલ્ક હડકવા વિરોધી રસીકરણ, ડીવોર્મિંગ તથા આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો હતો. જૂનાગઢ મહાનગરપાલિકા તથા જિલ્લા પંચાયત, જૂનાગઢની પશુપાલન શાખાના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં ૨૫૨ શ્વાન અને બિલાડીઓની નોંધણી કરી હડકવા વિરોધી રસીકરણ, ડીવોર્મિંગ તથા આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી.
કાર્યક્રમના મુખ્ય અતિથિ જયંતસિંહ રાઠૌર જણાવ્યુ હતું કે, હડકવા ગંભીર પરંતુ સંપૂર્ણપણે નિવારી શકાય તેવો રોગ છે. સમયસર રસીકરણ, જવાબદાર પાલતું પ્રાણી પાલન અને જનજાગૃતિ દ્વારા હડકવાના જોખમને ઘટાડી શકાય છે. પશુ તથા માનવ આરોગ્ય અંગે જાગૃતિ કેળવવામાં આવા સંકલિત પ્રયાસો મહત્વપૂર્ણ છે.
વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢના આચાર્ય ડૉ. એમ.ડી. ઓડેદરાએ જણાવ્યું હતું કે, પશુચિકિત્સા ક્ષેત્રનું ધ્યેય માત્ર પશુઓની સારવાર પૂરતું સીમિત નથી, પરંતુ પશુ આરોગ્યની સાથે માનવ અને જાહેર આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું પણ છે. હડકવા નિવારણ માટે રસીકરણ અને જનજાગૃતિ અત્યંત જરૂરી છે.
કેમ્પ દરમિયાન પાલતું પ્રાણીઓના માલિકોને હડકવા રોગની ગંભીરતા, રોગથી બચવાના ઉપાયો, સમયસર રસીકરણ તથા જવાબદાર પાલતું પ્રાણી પાલન અંગે પશુચિકિત્સકો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હડકવા નિવારણ અંગેની માહિતી પુસ્તિકાઓ તથા બ્રોશરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે ડૉ. આર.એચ. ભટ્ટ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. પ્રણવ અંજારિયા દ્વારા કરવામાં આવ્યું હતું તથા અંતે ડૉ. એસ.વી. માવદિયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
આ તકે ડૉ. એ. એ. વાઘ, ડૉ. એસ. કે. ઝાલા, ડૉ. કે. બી. વાળા, જૂનાગઢ મહાનગરપાલિકાના વેટરનરી ઓફિસર ડૉ. રાહુલ વાણિયા, જિલ્લા પંચાયત, જૂનાગઢના વેટરનરી ઓફિસર ડૉ. સુરેશ દુધાત્રા સહિત પશુચિકિત્સકો અને સ્ટાફ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો