તા.21/10/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


એક વર્ષથી બેરિકેડ વગર ખુલ્લો રખાયેલો ખાડો ભયજનક બન્યો: પ્રાંત અધિકારીના આદેશ બાદ પણ તંત્રનું પેટનું પાણી ન હલ્યું!, સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન વિભાગની અતિ ગંભીર બેદરકારી અને આડોડાઈ ફરી એકવાર સપાટી પર આવી છે. શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી અંતર્ગત ખોદવામાં આવેલા અંદાજે ૨૦ ફૂટ જેટલા ઊંડા ખાડામાં અચાનક એક ગાય ખાબકતાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે. છેલ્લા એક વર્ષથી કોઈ પણ જાતના સુરક્ષા બેરિકેડ વગર ખુલ્લા છોડી દેવાયેલા આ ખાડાને કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોના જીવ અધ્ધર થઈ ગયા છે. તંત્રની આ નિષ્કાળજી સામે સમગ્ર પંથકમાં લોકરોષ ચરમસીમાએ પહોંચ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ચોક્કસ સ્થળે ખોદાયેલો આટલો ઊંડો ખાડો પ્રથમ વખત નથી બન્યો જે ચર્ચામાં આવ્યો હોય. અગાઉ પણ આ જ ખુલ્લા ખાડામાં મૂંગું પશુ પડી જવાની ઘટના બની ચૂકી છે. આ અંગે વિસ્તારના નાગરિકો દ્વારા સંબંધિત વિભાગ અને સ્થાનિક તંત્રને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. ખુલ્લા ખાડાને કારણે ગમે ત્યારે મોટો જાનમાલનો અકસ્માત સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હોવા છતાં જાડી ચામડીના અધિકારીઓએ આ રજૂઆતોને તદ્દન અણગણ ગણી છોડી દીધી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, ખુલ્લા ખાડા અને અટકેલી કામગીરી સંદર્ભે પ્રાંત અધિકારી દ્વારા પણ GUDC વિભાગને તાકીદે કામગીરી પૂર્ણ કરવા અને સુરક્ષાના યોગ્ય પગલાં ભરવા માટે સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા હતા. આમ છતાં, કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા GUDC તંત્રના કાન સુધી અધિકારીના આદેશનો અવાજ પણ પહોંચ્યો ન હતો અને ખાડો એમ જ ખુલ્લો રાખી દેવાયો હતો, જેના પરિણામે આજે ફરી એકવાર પશુ ખાડામાં ખાબકવાની દુર્ઘટના ઘટી છે. સ્થાનિક રહીશોમાં તંત્રની નફ્ફટાઈ સામે અત્યંત આક્રોશ વ્યાપી ગયો છે. નાગરિકોએ ઉગ્ર માગણી કરી છે કે ૨૦ ફૂટ ઊંડા ખાડાને તુરંત જ પૂરી દેવામાં આવે અથવા ત્યાં યોગ્ય સુરક્ષા બેરિકેડિંગ કરવામાં આવે. વહેલી તકે ભૂગર્ભ ગટરની અધૂરી પડેલી તમામ કામગીરી ઝડપથી આટોપવામાં આવે. પ્રજાના જીવ સાથે ખેલ ખેલતા GUDC વિભાગના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે. જો આ બાબતે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.










