જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભવ્ય રાવણદહનથી વિજયાદશમીની ઉજવણી

રામ લક્ષ્મણ જાનકીની ની શોભાયાત્રા બાદ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું એક પછી એક દહન; આતશબાજીના અદભૂત નજારાએ નગરજનોને મંત્રમુગ્ધ કર્યા
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા. ૨૧, અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક સમાન વિજયાદશમીના પર્વ નિમિત્તે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પરંપરાગત રાવણદહન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. સિંધિ સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં વિશાળ પૂતળાંનું એક પછી એક દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલી આકર્ષક આતશબાજીએ ઉપસ્થિત નગરજનોને અભિભૂત કર્યા હતા.
કાર્યક્રમ પૂર્વે રામ લક્ષ્મણ જાનકી તથા અન્ય દેવી-દેવતાઓ ની વેશભૂષા સાથેની શોભાયાત્રા યોજવામાં આવી હતી, જેમાં વિવિધ વેશભૂષામાં સજ્જ બાળકો અને ભક્તો જોડાયા હતા. ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, માતા જાનકી, રાવણ સહિત વિવિધ દેવી-દેવતાઓનાં પાત્રોની વેશભૂષામાં સજ્જ થયેલા ભક્તોએ શોભાયાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું. શોભાયાત્રા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યા બાદ રાવણદહનના કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.
જામનગરનાં સાંસદ પૂનમબેન માડમ, મેયર મોનિકાબેન વ્યાસ, જિલ્લા કલેક્ટર પી. બી. પંડ્યા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તથા પ્રણામી સંપ્રદાયના પૂજ્ય ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજના સાંનિધ્યમાં કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, અન્ય પદાધિકારીઓ, કોર્પોરેટરો, પૂર્વ મંત્રી પરમાણંદભાઈ ખટ્ટર સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
રાવણદહનના મુખ્ય કાર્યક્રમ દરમિયાન સૌપ્રથમ મેઘનાદ અને કુંભકર્ણ તેમજ રાવણનાં પૂતળાંનું ક્રમશઃ દહન કરવામાં આવ્યું હતું. પૂતળાંમનું દહન થતાંજ જ આસપાસનો વિસ્તાર આતશબાજીના રંગબેરંગી નજારાથી ઝળહળી ઊઠ્યો હતો. આકાશમાં ફૂટતી આતશબાજી અને દહનનાં દૃશ્યોએ પ્રદર્શન ગ્રાઉન્ડમાં ઉપસ્થિત લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.
આમ, જામનગરમાં વિજયાદશમીના પાવન પર્વે પરંપરા, ધાર્મિક આસ્થા અને ઉત્સાહભેર યોજાયેલા રાવણદહન કાર્યક્રમ સાથે અસત્ય પર સત્યના વિજયનો સંદેશ આપવામાં આવ્યો હતો.









