માંડવીના કરુઠા ગામે પશુપાલકોને વૈજ્ઞાનિક પશુપાલન અંગે અપાયું માર્ગદર્શન

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ


પશુ વિજ્ઞાન કેન્દ્ર–માંડવી દ્વારા તાલીમ કાર્યક્રમ યોજાયો; ૭૦ પશુપાલકોએ લીધો ભાગ, પશુ પોષણ અને રહેઠાણ વ્યવસ્થાપન અંગે નિષ્ણાતોએ આપી માહિતી

પશુપાલન વ્યવસાયને વધુ કાર્યક્ષમ, ગુણવત્તાયુક્ત અને આર્થિક રીતે ફાયદાકારક બનાવવા વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી અત્યંત જરૂરી છે. આ હેતુથી પશુ વિજ્ઞાન કેન્દ્ર–માંડવી દ્વારા કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરુઠા ગામે “પશુપાલનમાં પશુપોષણ અને રહેઠાણ વ્યવસ્થાપન” વિષય પર પશુપાલક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ ૭૦ પશુપાલકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પશુપાલનને લગતી ઉપયોગી અને વૈજ્ઞાનિક માહિતી મેળવી હતી.

કાર્યક્રમ દરમિયાન પશુ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાતો દ્વારા પશુઓના યોગ્ય પોષણ, રહેઠાણની વ્યવસ્થા અને પશુ આરોગ્યની જાળવણી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડૉ. એમ. પી. માઢવાતરે પશુ વિજ્ઞાન કેન્દ્રના હેતુઓ અને વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓની માહિતી આપી પશુઓના રહેઠાણ વ્યવસ્થાપન અંગે નિષ્ણાત વ્યાખ્યાન આપ્યું હતું. જ્યારે ડૉ. એસ. એમ. પ્રજાપતિએ પશુ પોષણના મહત્વ અને પશુઓને સંતુલિત આહાર આપવાની પદ્ધતિઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તાલીમ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ ટીટ ડિપ કપના યોગ્ય ઉપયોગ અને એજોલા ઉત્પાદન તથા ઉપયોગ અંગેનું જીવંત નિદર્શન રહ્યું હતું. પશુપાલકોને આ પદ્ધતિઓનો વ્યવહારુ પરિચય આપવામાં આવ્યો હતો અને જરૂરી સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

પશુપાલકોને વૈજ્ઞાનિક પશુપાલન પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવાના હેતુથી પશુપાલન સાહિત્ય કિટ, કૃમિનાશક દવાઓ, લેક્ટીફેન્સ દ્રાવણ સાથે ટીટ ડિપ કપ તેમજ પશુ પોષણ સુધારવા માટે મિનરલ મિશ્રણનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પશુપાલકોએ પોતાના પ્રશ્નો રજૂ કરી નિષ્ણાતો સાથે સક્રિય ચર્ચા કરી હતી. ડૉ. એમ. પી. માઢવાતર અને ડૉ. એસ. એમ. પ્રજાપતિએ પ્રશ્નોના સંતોષકારક જવાબો આપી પશુપાલકોની મૂંઝવણો દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ તાલીમ કાર્યક્રમ કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના કુલપતિ ડૉ. પી. એચ. ટાંકના નેતૃત્વ હેઠળ, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. જે. એસ. પટેલના માર્ગદર્શન હેઠળ તથા પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, નવસારીના આચાર્ય અને પશુ સંશોધન કેન્દ્રના વડા ડૉ. વી. એસ. ડબાસના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

આવા તાલીમ કાર્યક્રમો દ્વારા પશુપાલકો સુધી વૈજ્ઞાનિક જ્ઞાન અને આધુનિક પદ્ધતિઓ પહોંચાડીને પશુઓના આરોગ્ય, પોષણ અને ઉત્પાદકતામાં સુધારો લાવવાની સાથે પશુપાલન વ્યવસાયને વધુ લાભદાયી બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો