વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

કલેક્ટર મનીષ ગુરવાની અને મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે કેમ્પની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું
નવસારી મહાનગરપાલિકાના ટાઉનહોલ ખાતે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને નિઃશુલ્ક સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવા માટે આયોજિત કેમ્પની નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની તથા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કેમ્પની કામગીરીનું નિરીક્ષણ કરી લાભાર્થીઓને આપવામાં આવતી સુવિધાઓ અંગેની માહિતી મેળવી હતી.
નવસારી જિલ્લા વહીવટીતંત્ર અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળ કાર્યરત આર્ટિફિશિયલ લિમ્બ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ALIMCO)ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય વયોશ્રી યોજના તથા ADIP યોજના હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજનાઓનો મુખ્ય હેતુ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને તેમની જરૂરિયાત અનુસાર સહાયક સાધનો ઉપલબ્ધ કરાવી તેમના જીવનને વધુ સરળ અને સુગમ બનાવવાનો છે.
કેમ્પમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વ્હીલચેર, ટ્રાઇસિકલ, વૉકિંગ સ્ટિક, વૉકર, ક્રચીસ, શ્રવણયંત્ર, રોલેટર સહિતનાં વિવિધ સહાયક સાધનો નિઃશુલ્ક આપવામાં આવે છે. આ સાધનોની મદદથી લાભાર્થીઓને અવરજવર, દૈનિક પ્રવૃત્તિઓ અને સ્વતંત્ર જીવન જીવવામાં મદદ મળી રહે છે. સાથે જ તેમની ગતિશીલતા વધારવા, આત્મવિશ્વાસ મજબૂત બનાવવા અને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે પણ આ યોજનાઓ ઉપયોગી બની રહી છે.
કલેક્ટર મનીષ ગુરવાનીએ પાત્રતા ધરાવતા દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને આ યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. જરૂરિયાતમંદ નાગરિકોને તેમની જરૂરિયાત મુજબનાં સાધનો મળી રહે અને તેઓ વધુ સ્વાવલંબી બની શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
નવસારી મહાનગરપાલિકાના ટાઉનહોલ ખાતે તા. 16 અને 17 ઓક્ટોબર, 2026ના રોજ બે દિવસ માટે સહાયક સાધન વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલ દ્વારા દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને જરૂરી સહાય પૂરી પાડી તેમના જીવનમાં સરળતા લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પ્રસંગે પ્રાંત અધિકારી તૃપ્તિ પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌરાંગ વસાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.










