મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યુવાનો સાથે સંવાદ

ભવાઈના માધ્યમથી યુવાનોને વ્યસનથી દૂર રહેવા અંગે જાગૃત કરવામાં આવ્યા
(માહિતી બ્યુરો, પાટણ)
તા.૧૬/૦૯/૨૦૨૬
સમાચાર સંખ્યા: ૫૯૦/૩૦
‘જલ, જન અને સેવા સંકલ્પ’ અંતર્ગત નશામુક્ત ગુજરાતના નિર્માણ માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે નશામુક્તિ અભિયાન અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભવાઈના માધ્યમથી વ્યસનના દૂષણો અંગે અસરકારક રજૂઆત કરી યુવાનોને વ્યસનથી દૂર રહેવા તથા સ્વસ્થ અને સશક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, આજે આપણે યુવાનો સાથે સંવાદ કરીને ગુજરાતને વ્યસનમુક્ત કેવી રીતે બનાવી શકાય તે અંગે સામૂહિક ચિંતન કરી રહ્યા છીએ. આપણે ગાંધીજીના ગુજરાતમાં રહીએ છીએ અને ગુજરાતમાં વ્યસન ઉપર પ્રતિબંધ છે. તેથી કાયદાનું પાલન કરવું અને સમાજને વ્યસનમુક્ત બનાવવામાં સહભાગી થવું એ સૌની સામૂહિક જવાબદારી છે.
તેમણે યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, ઘણી વખત મિત્રોના સંગાથમાં, શોખ ખાતર કે અન્ય કોઈ કારણસર વ્યસનની શરૂઆત થતી હોય છે. શરૂઆતમાં વ્યસન નાનું કે સામાન્ય લાગે છે, પરંતુ એકવાર તેની લત લાગી જાય પછી તે વ્યક્તિના જીવનની સાથે સમગ્ર પરિવારને પણ બરબાદ કરી શકે છે. તેથી યુવાનોએ વ્યસનને ‘ના’ કહી પોતાના જીવનના લક્ષ્ય અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવું જોઈએ.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સતત યુવાનોને નવી ઊર્જા, નવી વિચારધારા અને વિકસિત ભારતના નિર્માણ સાથે જોડાવા માટે પ્રેરણા આપતા રહ્યા છે. ‘મારો દેશ, મારું કર્તવ્ય’ની ભાવના સાથે દરેક યુવાને પોતાની ક્ષમતા દેશના વિકાસ માટે ઉપયોગમાં લેવી જોઈએ. વડાપ્રધાનશ્રીનો સંદેશ છે કે, ભારતનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે અને યુવાનો જેટલા સશક્ત, સ્વસ્થ અને સંકલ્પબદ્ધ બનશે તેટલું ભારત વધુ મજબૂત બનશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નશામુક્તિ માટે સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ માત્ર સરકારના પ્રયાસોથી જ નશામુક્ત સમાજનું નિર્માણ શક્ય નથી. તેમાં સમાજ, પરિવાર, શૈક્ષણિક સંસ્થાઓ અને ખાસ કરીને યુવાનોની સક્રિય ભાગીદારી જરૂરી છે. દરેક પરિવારે અને દરેક યુવાને પોતાના ગામ, શહેર, પાટણ જિલ્લો, ગુજરાત અને સમગ્ર દેશને વ્યસનમુક્ત બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ.
મંત્રીશ્રીએ યુવાનોને આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, દેશપ્રેમ માત્ર શબ્દોમાં નહીં પરંતુ આપણા આચરણમાં પણ દેખાવો જોઈએ. દેશને આગળ વધારવા માટે સ્વસ્થ શરીર, સ્વસ્થ મન અને સકારાત્મક વિચારધારા જરૂરી છે. યુવાનો વ્યસનથી દૂર રહી શિક્ષણ, રમતગમત, કૌશલ્ય વિકાસ, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને સમાજસેવા તરફ આગળ વધે તે સમયની જરૂરિયાત છે.
કાર્યક્રમ દરમિયાન ભવાઈના માધ્યમથી વ્યસનના કારણે વ્યક્તિ, પરિવાર અને સમાજ ઉપર થતી નકારાત્મક અસરોને રજૂ કરવામાં આવી હતી. લોકકલા સાથે જોડાયેલા આ માધ્યમ દ્વારા યુવાનોને વ્યસનમુક્ત જીવન જીવવા તથા અન્ય લોકોને પણ વ્યસનથી દૂર રહેવા પ્રેરિત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાવિનભાઈ પટેલ, પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રી ચંદ્રિકાબેન રાવલ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી, સંગઠનના હોદ્દેદારો, યુનિવર્સિટીના પ્રતિનિધિઓ, અધિકારીઓ-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
નશામુક્તિ અભિયાન અંતર્ગત યોજાયેલો આ યુવા સંવાદ કાર્યક્રમ યુવાનોમાં વ્યસનના દૂષણો અંગે જાગૃતિ ફેલાવવાની સાથે સ્વસ્થ જીવનશૈલી અપનાવવા, સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવા અને નશામુક્ત ગુજરાતના નિર્માણમાં સહભાગી બનવા માટે પ્રેરણારૂપ બન્યો હતો.










