વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભીલડી ખાતેથી ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’નું કરશે લોકાર્પણ

27 ઓક્ટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસ ડેરીની ‘બોવાઇન બ્રીડપ્રિન્યોર’ પહેલ થકી પશુપાલન ક્ષેત્રે આવશે નવી ક્રાંતિ.પશુપાલકો દૂધ ઉપરાંત ઉત્તમ નસ્લના પશુઓ તૈયાર કરનારા બ્રીડર બને તેવા આશયથી ડેરીએ ‘બોવાઇન બ્રીડપ્રિન્યોર ક્લબ’ની સ્થાપના કરી છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી ૩૦મી ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવારના રોજ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી બનાસ ડેરીના પાંચ મોટા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં મુખ્યત્વે ભીલડી ખાતે ૧૨૭ એકર જમીનમાં રૂ. ૩૨૫ કરોડના ખર્ચે તૈયાર થયેલું અત્યાધુનિક ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (BBBRC) દેશના પશુપાલકોને અર્પણ કરશે.બનાસકાંઠાના પશુપાલકો હંમેશાં પોતાની મહેનત અને નવી વિચારસરણી માટે જાણીતા છે. પશુપાલકો માત્ર દૂધ વેચવા પૂરતા સીમિત ન રહેતાં ઉત્તમ નસ્લના પશુઓ તૈયાર કરનારા સંવર્ધક (બ્રીડર) બને તેવા શુભ આશયથી બનાસ ડેરીએ ‘બોવાઇન બ્રીડપ્રિન્યોર ક્લબ’ની સ્થાપના કરી છે. આ નવતર પહેલ હેઠળ અત્યાર સુધીમાં ૩૧૬ જેટલા પ્રગતિશીલ ખેડૂતો BBBRC (બનાસ બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર) સાથે જોડાઈ ચૂક્યા છે. આ યોજના દ્વારા સામાન્ય પશુપાલકોના તબેલા હવે સ્થાનિક કક્ષાએ ઉચ્ચ ગુણવત્તાવાળા પશુધન તૈયાર કરવાના આદર્શ કેન્દ્રો બની રહ્યા છે. આ યોજના એક અત્યંત સરળ, પારદર્શક અને બંને પક્ષોને ફાયદો કરાવતા કરાર પર કામ કરે છે. BBBRC સાથે જોડાનાર પ્રત્યેક બ્રીડપ્રિન્યોરને ઉચ્ચ આનુવંશિક ગુણવત્તાવાળા જર્મપ્લાઝ્મ (શ્રેષ્ઠ ઓલાદના બીજ) સીધા જ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ વિજ્ઞાનની મદદથી ખેડૂતના ફાર્મ પર જે ઉત્તમ વાછરડાં, પાડીઓ કે ભ્રૂણ (એમ્બ્રિયો) તૈયાર થાય, તેને ખરીદવાનો પ્રથમ અધિકાર BBBRC પાસે રહે છે. જો સેન્ટર તેને પોતાના મુખ્ય કાર્યક્રમ માટે પસંદ ન કરે, તો પશુપાલક તેને ખુલ્લા બજારમાં ઊંચી કિંમતે વેચવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે. આમ, પશુપાલકને રોજના દૂધના ઉત્પાદન ઉપરાંત ઉત્તમ વાછરડી કે સાંઢ વેચીને લાખો રૂપિયાની વધારાની આવક મેળવવાની નવી તક મળી છે. સારી ઓલાદનું પશુધન સંપૂર્ણ પરિણામ આપી શકે તે માટે ફાર્મ પર વૈજ્ઞાનિક માવજત અને સચોટ હિસાબ રાખવો જરૂરી છે. આ ક્લબના સભ્યો પશુના ગર્ભની સ્થિતિ, વિયાણની તારીખ, માતા-પિતાની વંશાવળી, વજન અને રોજના દૂધ ઉત્પાદનની પાકી નોંધ રાખે છે. આ ઉપરાંત, સભ્ય પશુપાલકોના પશુઓની વર્ષમાં એક વખત નિયમિતપણે સઘન રોગ તપાસણી (હેલ્થ ચેકઅપ) કરવામાં આવે છે. સંપૂર્ણ તબીબી તપાસ અને પાકા રેકોર્ડવાળા પશુઓ રોગમુક્ત રહે છે, જેના કારણે બજારમાં ખરીદદારોનો વિશ્વાસ વધે છે અને ખેડૂતોને પોતાના પશુધનના ખૂબ સારા ભાવો મળે છે. બનાસ ડેરી અને BBBRC દ્વારા શરૂ થયેલું આ આધુનિક બ્રીડિંગ અભિયાન હવે પ્રયોગશાળાની ચાર દીવાલોમાંથી બહાર નીકળીને છેવાડાના ગામડાં સુધી પહોંચી ગયું છે. સભ્ય ખેડૂતોના ફાર્મ પર થતા ફાયદા જોઈને આસપાસના અન્ય પશુપાલકો પણ પશુઓના પોષણ, રહેઠાણ અને સ્વચ્છતાની આધુનિક પદ્ધતિઓ અપનાવતા થયા છે. બનાસકાંઠાની ધરતી પરથી શરૂ થયેલી આ પહેલ આવનારા સમયમાં સમગ્ર દેશના ડેરી ઉદ્યોગ માટે એક આદર્શ માર્ગદર્શિકા બનશે, જેમાં વિજ્ઞાન અને સામાન્ય પશુપાલકની ભાગીદારીથી સાચા અર્થમાં ‘જેનેટિક્સથી સમૃદ્ધિ’નો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો