
ઇડરના આયુષ કટારાએ રાષ્ટ્રીય જુડો સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું

અંડર-14 એસ.જી.એફ.આઈ. નેશનલ ગેમ્સમાં 40 કિલોગ્રામથી નીચેની વજન કેટેગરીમાં મેળવી સિદ્ધિ
ઇડર, સાબરકાંઠા:
સાબરકાંઠા જિલ્લાના ઇડર માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઇડર સ્થિત ડી.એલ.એસ.એસ. સેન્ટર સાથે જોડાયેલા પ્રતિભાશાળી જુડો ખેલાડી આયુષ કટારાએ નવી દિલ્હી ખાતે યોજાયેલી અંડર-14 એસ.જી.એફ.આઈ. નેશનલ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે.
આયુષ કટારાએ 40 કિલોગ્રામથી નીચેની વજન કેટેગરીમાં સ્પર્ધામાં ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને તેણે પોતાની રમત પ્રતિભાનો પરિચય આપ્યો છે. આયુષની આ સિદ્ધિથી ઇડર સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં રમતપ્રેમીઓમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે.
આયુષની સફળતા પાછળ તેની મહેનત, નિયમિત તાલીમ અને જુડો રમત પ્રત્યેની લગન મહત્વપૂર્ણ રહી છે. તેની આ સિદ્ધિ બદલ તેના કોચ, ટ્રેનર, પરિવારજનો અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. સાથે જ આયુષ ભવિષ્યમાં પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સફળતા પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આયુષ કટારાની આ સિદ્ધિ સાબરકાંઠાના યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે.
જયંતિ પરમાર સાબરકાંઠા








