અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
માલપુર – ઉભરાણના શૂલપાણેશ્વર મંદિર પરિસરમાં ગાંજાના છોડ સાથે 11. કિલો ગાંજો ઝડપાયો,, કુલ રૂ.5.79 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ પૂજારીઓ ઝડપાયા, 1વોન્ટેડ

માલપુર તાલુકાના ઉભરાણ ગામે આવેલા શૂલપાણેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં પોલીસની તપાસ દરમિયાન ગાંજાના છોડ તથા સૂકો ગાંજો મળી આવતા ચકચાર મચી છે. પોલીસે સ્થળ પર થી ત્રણ શખ્સોને ઝડપી લઈ ગાંજાના છોડ, સૂકો ગાંજો અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ.5,79,850નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ઉભરાણના શૂલપાણેશ્વર મંદિરના પૂજારી વિરુદ્ધ અરજી મળતા માલપુર પોલીસ સ્ટાફ બુધવારે બપોરના સમયે મંદિર ખાતે તપાસ માટે પહોંચ્યો હતો. તે સમયે મંદિર પરિસરમાં રવિકાન્ત તેજેન્દ્રસિંહ રાણા, રૂપસિંહ મુલ્લાગીરી કુસ્વા તથા સનતકુમાર ઉદયભાનુ કોરી હાજર હતા.
અરજીની તપાસ દરમિયાન પોલીસ દ્વારા મંદિર આસપાસના પરિસરની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મંદિરના કબજાના ભોગવટાના વિસ્તારમાં આવેલા ક્યારામાં ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવતા અધિકારીઓ સહિત પોલીસ ટીમ જરૂરી સાધનસામગ્રી સાથે સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ એફએસએલ અધિકારીઓની ટીમે પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
પોલીસની તપાસ દરમિયાન મંદિર પરિસરના ક્યારામાંથી કુલ છ ગાંજાના છોડ મળી આવ્યા હતા. ત્યારબાદ વધુ તપાસ કરતાં લોખંડની તિજોરી ઉપર રાખવામાં આવેલી પ્લાસ્ટિકની થેલીમાંથી સૂકો ગાંજો મળી આવ્યો હતો.તમામ ગાંજાનું વજન 11.397 કિલો હોવાનું સામે આવ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂ.5,69,850 હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે ગાંજાના છોડ, સૂકો ગાંજો તથા બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ.5,79,850નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે રવિકાન્ત તેજેન્દ્રસિંહ રાણા, રૂપસિંહ મુલ્લાગીરી કુસ્વા, સનતકુમાર ઉદયભાનુ કોરી તથા મંદિરના વહીવટકર્તા હરદીપગિરી મહારાજ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.










