ચીનના એક બંદર પર સમારકામ માટે ઊભેલા માલવાહક જહાજમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતાં મોટો અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 25 કામદારોના આગમાં બળીને કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે દાઝી જતાં તેઓની હાલત નાજુક છે.
જહાજ પર કુલ 42 કર્મચારીઓ હાજર હતા, જેમાંથી બચાવ દળે 12 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા છે. આગની વિકરાળતા જોઈને ચીનના પ્રમુખ શી જિનપિંગે તાત્કાલિક રાહત-બચાવ કામગીરી હાથ ધરવા અને સમગ્ર ઘટનાની ઊંડી તપાસ કરવા કડક આદેશો જારી કર્યા છે.
આ ગોઝારી ઘટના ચીનના શિયાંગદાઓ બેઈહાઈ શિપયાર્ડ ખાતે બની હતી. સવારે આશરે 11:15 વાગ્યે જહાજના નીચેના ભાગમાંથી અચાનક કાળો ધુમાડો નીકળવા લાગ્યો હતો. કર્મચારીઓ કશું સમજી શકે કે પોતાનો જીવ બચાવી શકે તે પહેલાં જ વિકરાળ આગે સમગ્ર જહાજને લપેટમાં લઈ લીધું હતું.
ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી ટીમોએ લગભગ 3 કલાકની ભારે જહેમત બાદ બપોરે 2:30 વાગ્યા આસપાસ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં 25 કર્મચારીઓ ઘટનાસ્થળે જ જીવતા ભૂંજાઈ ચૂક્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા 5 લોકોને સારવાર માટે તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
દુર્ઘટનામાં 25 લોકોના મોત થતાં ચીન સરકાર હરકતમાં આવી છે. રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે કામના સ્થળે સુરક્ષા નિયમોનું કડકાઈથી પાલન કરવાનો આદેશ આપી જણાવ્યું છે કે, તમામ સરકારી વિભાગો અને કંપનીઓએ આ જીવલેણ ઘટનામાંથી બોધપાઠ લેવો જોઈએ.










