MORBI:મોરબીના ગોર ખિજડીયાથી નારણકા સુધીનો રોડ બિસ્માર: અકસ્માતો વધતા માનસર ગ્રામ પંચાયતે તંત્ર સમક્ષ કરી ઉગ્ર રજૂઆત


મોરબી તાલુકાના ગોર ખિજડીયાના પાટીયાથી નારણકા સુધીનો ડામર રોડ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. માર્ગની ખરાબ સ્થિતિને પગલે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હોવાથી, માનસર ગ્રામ પંચાયતના સરપંચ જીતેન્દ્ર પી. ઠોરીયા દ્વારા બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેર તેમજ જિલ્લા કલેક્ટર અને ડીડીઓને લેખિત રજૂઆત કરીને માર્ગનું સમારકામ તાત્કાલિક શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે.
મુખ્ય સમસ્યાઓ:અકસ્માતોની હારમાળા: રોડ ઉપર પડેલા મોટા ખાડાઓના કારણે રોજિંદા નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે.
ગેસ લાઇનનું અધૂરું પેચવર્ક: માર્ગની એકદમ બાજુમાં ગેસ પાઇપલાઇન નાખ્યા બાદ યોગ્ય પેચવર્ક ન કરાતા વાહનો ફસાઈ જવાના બનાવો બની રહ્યા છે.

પાણીની પાઇપલાઇનના ખાડા: વનાળીયાથી માનસર વચ્ચે ખેડૂતો દ્વારા નાખવામાં આવેલી પાણીની પાઇપલાઇનના ખાડા યોગ્ય રીતે પૂરવામાં ન આવતા બાઇકચાલકો સ્લીપ થઈને પડી રહ્યા છે.
સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોની સલામતીને ધ્યાને રાખી માનસર ગ્રામ પંચાયતે તંત્ર સમક્ષ માંગણી દોહરાવી છે કે ગોર ખિજડીયાથી નારણકા સુધીના રસ્તાનું નવેસરથી કામ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે જેથી કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય.











