MORBI:બાળ મજૂરી પ્રથા નાબૂદી માટે મોરબી જિલ્લામાં ટાસ્કફોર્સ દ્વારા આકસ્મિક રેઇડ

મોરબી જિલ્લામાં બાળ મજૂરી પ્રથા નાબૂદી માટે જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ બાળ મજૂરી પ્રથા નાબૂદી અંગેની ટાસ્કફોર્સ દ્વારા જુલાઈ માસ દરમિયાન મોરબી જિલ્લામાં કુલ ૦૩ સ્થળોએ આકસ્મિક રેઇડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જે અંતર્ગત માધાપર-અંબિકા રોડ વિસ્તારમાં આવેલ મોરબી નાઇફ વર્કસમાંથી ૦૧ બાળક તથા ૦૨ તરુણ શ્રમયોગીઓને તેમજ પરષોત્તમ ચોક પાસેથી શ્રીજી એજન્સીમાંથી ૦૧ બાળ શ્રમયોગીને મુક્ત કરાવવામાં આવ્યા હતા. આ અંગે સંબંધિત સંસ્થાઓ વિરુદ્ધ કુલ ૦૨ (બે) એફ.આઇ.આર. દાખલ કરવામાં આવી છે.
રેઇડ દરમિયાન હોટલ-ઢાબાના સંચાલકો તેમજ ઔદ્યોગિક એકમોના સંચાલકોને તેમના સંસ્થામાં બાળ શ્રમિકોને કામે ન રાખવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આગામી સમયમાં પણ બાળ મજૂરી પ્રથા નાબૂદી માટે આવી ઝુંબેશ હાથ ધરી કડક કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવશે.
મોરબી જિલ્લાના નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, જો કોઈ સ્થળે બાળ મજૂરી થતી જણાય તો તાત્કાલિક મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, મોરબી અથવા ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર ૧૦૯૮ પર જાણ કરી બાળ મજૂરી પ્રથા નાબૂદીના અભિયાનમાં સહયોગ આપવા મદદનીશ શ્રમ આયુક્ત અધિકારી શ્રી દ્વારા અનુરોધ કરાયો છે.











