વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૭ સપ્ટેમ્બર : વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધનાત્મક વિચારસરણી, સર્જનાત્મકતા તથા સમસ્યા ઉકેલવાની ક્ષમતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ગુજકોસ્ટ ના નેજા હેઠળ કચ્છમિત્ર જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના સહયોગથી રિજિયોનલ સાયન્સ સેન્ટર, ભુજ ખાતે નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC)નું આયોજન કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના દિવસે ઉજવાયેલા આ પ્રસંગે કચ્છ-મોરબી લોકસભા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાનું ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના ડૉ. જે. જે. રાવલ અને રિજિયોનલ સાયન્સ સેન્ટર, ભુજના પ્રોજેક્ટ ડાયરેક્ટર વિરલ પરમાર દ્વારા દેવજીભાઈ વરચંદનું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં વિવિધ શાળાઓમાંથી 130 થી પણ વધુ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને વિજ્ઞાન ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ડિસ્ટ્રીક્ટ હોમગાર્ડ કમાન્ડર મનીષભાઈ બારોટ, ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, દિનેશભાઈ ઠક્કર, યોગેશભાઇ ત્રિવેદી, અલ્પેશભાઈ પટેલએ હાજરી આપી હતી.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક વિષયો તથા સ્થાનિક અને દૈનિક જીવન સાથે સંકળાયેલા પ્રશ્નોને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ્સ અને વિચારોમાં તેમની જિજ્ઞાસા, સર્જનાત્મકતા તથા વૈજ્ઞાનિક વિચારસરણી જોવા મળી હતી.
સાંસદ દ્વારા પ્રથમ આમર્શ જૈન (ડી પી એસ ગાંધીધામ), દ્વિતિય સૃષ્ટિ સોની (સેન્ટ ઝેવિયર્સ આદિપુર), તૃતીય ભૂમિ કેરાઈ (શ્રી સ્વામિનારાયણ કન્યા વિધાલય કેરા), ચતુર્થ મિષ્ટી શેરશિયા (શ્રીલેખા હીરાલાલ શાહ કન્યા વિધાલય ભુજ) વિજેતાઓનું ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ અને દ્વિતિય વિજેતા રાજ્ય કક્ષાએ કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તક આધારિત શિક્ષણ પૂરતું મર્યાદિત ન રાખીને તેમને આસપાસની સમસ્યાઓનું વૈજ્ઞાનિક અવલોકન, પ્રશ્નોત્તરી, સંશોધન, માહિતી એકત્રિત કરવી, વિશ્લેષણ કરવું અને વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ઉકેલ શોધવા માટે પ્રેરિત કરવાનો છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રિજનલ સાયન્સ સેન્ટર ભુજના આરતીબેન આર્ય, હેત આહિર તથા કચ્છજિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભુજના પ્રવીણભાઈ મહેશ્વરી અને તમામ સ્ટાફ એ જેહમત ઉઠાવી હતી.











