વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹1,89,002ની ઓનલાઈન છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે અમદાવાદ શહેરમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ તા. 25 મે 2026ના રોજ અજાણ્યા શખ્સોએ ફિલ્મોરમ ટીવી એપ્લિકેશન મારફતે ફરિયાદીના મોબાઈલ તથા બેંક ખાતામાં અનધિકૃત પ્રવેશ મેળવી બેંક ખાતામાંથી ₹1,89,002 ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હતી. આ મામલે અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં વધુ સંડોવાયેલા આરોપીઓની શોધખોળ દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, ડિજિટલ ફૂટપ્રિન્ટ અને હ્યુમન ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી તા. 16 સપ્ટેમ્બર 2026ના રોજ અમદાવાદ શહેરમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મહમદ સોહેલ ગુલમહુસેન અજમેરી (ઉ.વ. 28)અને **મોહંમદનવીદ ઇરશાદહુસેન સિદ્દીકી (ઉ.વ. 31)**નો સમાવેશ થાય છે. બંને અમદાવાદ શહેરના રહેવાસી હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. પોલીસ તપાસમાં સામે આવેલી મોડસ ઓપરેન્ડી મુજબ આરોપીઓ લોકોને કમિશનની લાલચ આપી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. ત્યારબાદ સાયબર ફ્રોડની રકમ આ ખાતામાં ટ્રાન્સફર કરાવી રોકડ ઉપાડી વોન્ટેડ આરોપીઓ સુધી પહોંચાડતા હતા અને તેના બદલામાં કમિશન મેળવતા હતા. આ સમગ્ર કાર્યવાહી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના PI યુ. એલ. મોદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તપાસ ટીમમાં હે.કો. કિરણસિંહ વિજયસિંહ, પો.કો. જયદીપસિંહ જયેન્દ્રસિંહ, પો.કો. દેવાંગભાઈ ભીમસંગભાઈ તેમજ સાયબર એક્સપર્ટ કિર્વ્યેશ દુધાત અને કરણ જોશી જોડાયા હતા.










