વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ
નવસારી,તા.18 ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ અસરકારક કામગીરી કરી ગણદેવી નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. LCBની ટીમને મળેલી બાતમીના આધારે તા. 18/09/2026ના રોજ ગણદેવી ગામ ખાતે એક્સપ્રેસ-વે ટોલનાકા પાસે નાકાબંધી ગોઠવી વોચ રાખવામાં આવી હતી. દરમિયાન મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બોલેરો મેક્સ પિકઅપ વાહન નં. MH-02-GS-0198ને રોકી તપાસ કરતાં તેમાંથી પાસ-પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસે વાહનમાંથી કુલ 1,872 નંગ વિદેશી દારૂની બોટલો, જેની કિંમત રૂ.7,47,600, કબજે કરી હતી. આ ઉપરાંત રૂ.7 લાખની બોલેરો મેક્સ પિકઅપ અને રૂ.10 હજારના બે મોબાઇલ ફોન મળી કુલ રૂ.14,57,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ કાર્યવાહીમાં પોલીસે રાજુ લાલબહાદુર મોર્યા (ઉ.વ.39) અને ઇસરાર ઇકબાલ શેખ (ઉ.વ.48)ને ઝડપી પાડ્યા છે. રાજુ મોર્યા વાહનનો ચાલક જ્યારે ઇસરાર શેખ ક્લીનર હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. બંને સામે ગણદેવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.આ કેસમાં ગુમનાસિંહ, રહે. વડોદરા સહિત અન્ય સંડોવાયેલા લોકોની પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ગુમનાસિંહ દમણ ખાતેથી દારૂનો જથ્થો ભરી આપનાર તથા વડોદરા એક્સપ્રેસ-વે પરથી પાદરા જવાના ટોલનાકા સુધી જથ્થો પહોંચાડનાર હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર કામગીરી સીનિયર PI વી.જે. જાડેજા, PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત, ASI લલિતભાઈ અશોકભાઈ અને HC લાલસિંહ ભરતસિંહ સહિત LCB નવસારીની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
દારૂની હેરાફેરી સામે LCBની આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના નેટવર્કમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.પોલીસ દ્વારા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.










