18 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જનસેવાથી રાષ્ટ્રસેવા’ના ૨૫ વર્ષ: અંબાજી ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુષ્ય માટે વિશેષ પ્રાર્થના ડ્રોન શો થકી આકાશમાં માં અંબાના ચરણોમાં શીશ નમાવતી વડાપ્રધાનશ્રીની પ્રતિકૃતિ કંડારાઈ ગુજરાત મોદીજીની કર્મભૂમિ રહી છે, ઉત્તર ગુજરાત અને રાજ્યના વિકાસ કાર્યો પ્રત્યે જનતાનો અનહદ પ્રેમ છે : વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન તેમજ તેમની ‘જનસેવાથી રાષ્ટ્રસેવા’ની અવિરત ૨૫ વર્ષની ઐતિહાસિક સફરના ગૌરવપૂર્ણ ઉપલક્ષ્યમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાનશ્રીના રાષ્ટ્રનિર્માણ અને પ્રજાકલ્યાણના સંકલ્પને બિરદાવવા જિલ્લાભરમાં વિવિધ સેવાકીય અને રચનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરાયું છે. આ પાવન અવસરે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અત્યંત ભક્તિભાવ અને ઉત્સાહસભર વાતાવરણ વચ્ચે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાનશ્રીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્યની મંગલકામના સાથે યાત્રાધામ અંબાજીના ઐતિહાસિક ચાચર ચોકમાં એક ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય અવસરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ પ્રદેશ સંગઠનના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો અને ઉપસ્થિત હજારો શ્રદ્ધાળુઓએ જગતજનની માં આદ્યશક્તિના ચરણોમાં શીશ નમાવી વડાપ્રધાનશ્રી નિરામય અને યશસ્વી જીવન પ્રાપ્ત કરે તે માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી.આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને માં જગદંબા પ્રત્યે અખૂટ શ્રદ્ધા અને આસ્થા છે. ગુજરાત તેમની કર્મભૂમિ રહી છે અને તેમણે સમગ્ર ગુજરાત તથા વિશેષ કરીને ઉત્તર ગુજરાતના વિકાસ માટે જે ભગીરથ કાર્યો કર્યા છે, તેના લીધે જન-જનના હૃદયમાં તેમના પ્રત્યે અપાર પ્રેમ અને આદર છે. અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, આજે હજારો નાગરિકો અને યુવાનોએ ચાચર ચોકમાં એકત્રિત થઈને માં અંબા સમક્ષ બે મુખ્ય પ્રાર્થનાઓ કરી છે. પ્રથમ, લોકપ્રિય વડાપ્રધાનશ્રીને માતાજી દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે; અને દ્વિતીય, તેમના કુશળ નેતૃત્વ હેઠળ ભારત વિશ્વમાં એક શક્તિશાળી અને ‘વિકસિત રાષ્ટ્ર’ તરીકે સ્થાપિત થાય.આ વિશેષ મહોત્સવ નિમિત્તે અંબાજી મંદિર પરિસરમાં ૭૬,૦૦૦થી પણ વધુ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. હજારો દીપકની મંગલકારી જ્યોતથી સમગ્ર ચાચર ચોક અને મંદિર પરિસર અદ્ભુત રોશનીથી ઝગમગી ઊઠ્યું હતું. જાણે પવિત્ર ધામમાં સાક્ષાત્ દીપોત્સવ પર્વ ઊતરી આવ્યું હોય તેવો અલૌકિક અને આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો, જેને નિહાળી દર્શનાર્થે પધારેલા માઈભક્તો ભાવવિભોર બન્યા હતા.
આ ભવ્ય આયોજનનું મુખ્ય નજરાણું આકાશમાં પ્રસ્તુત થયેલો અદ્યતન ‘ડ્રોન શો’ રહ્યો હતો. આધુનિક ટેક્નોલોજીના અનોખા સમન્વય થકી ડ્રોન દ્વારા આકાશમાં નયનરમ્ય આકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી, જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી માં અંબાના ચરણોમાં વિનમ્રભાવે શીશ નમાવી રહ્યા હોય તેવી પ્રતિકૃતિ આબેહૂબ કંડારવામાં આવી હતી. આ અદ્વિતીય દ્રશ્ય ઉપસ્થિત જનમેદની માટે સર્વોચ્ચ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને સમગ્ર અંબાજી ધામ ‘જય અંબે’ અને ‘ભારત માતા કી જય’ના ગગનભેદી નારાઓથી ગુંજી ઊઠ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુમ્બે સહિતના અધિકારીશ્રીઓ, મહાનુભાવ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.



















