MORBI:મોરબી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો: પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ કર્યું ૭૬ બોટલ રક્તદાન

મોરબી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે “સેવા મેરા યોગદાન” યોજના અંતર્ગત ભવ્ય સ્વૈચ્છિક મેગા રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પોલીસ અધિકારીઓ અને જવાનોએ ભારે ઉત્સાહ દાખવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ શિબિર સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા મોરબી જિલ્લા પોલીસ અધીક્ષક મુકેશ પટેલની સૂચના અનુસાર યોજાઈ હતી. જેમાં નાયબ પોલીસ અધીક્ષક (મુખ્ય મથક) કે.પી. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ રિઝર્વ પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ. ચૌહાણ દ્વારા સમગ્ર કેમ્પનું વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું.
૭૬ બોટલ રક્ત એકત્રિત કરાયું જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ સંચાલિત મોરબી સિવિલ હોસ્પિટલના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં જિલ્લાના પોલીસ જવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. દિવસ દરમિયાન જરૂરિયાતમંદ દર્દીઓ માટે કુલ ૭૬ બોટલ (૨૬,૬૦૦ સી.સી.) રક્ત એકત્રિત થયું હતું.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કોઈએ સ્વૈચ્છિક રક્તદાન માટેના સંકલ્પ (પ્રતિજ્ઞા) લીધા હતા. ખાખી વર્દીની સાથે સેવાના ઉત્કૃષ્ટ કાર્યને મોરબીની જનતાએ બિરદાવ્યું હતું.











