દાંતા ખાતે પદયાત્રીઓ માટે ICU સુવિધાથી સજ્જ ‘બનાસ મેડિકલ સેવા કેમ્પ’નો શુભારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી

19 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

‘સેવા પરમો ધર્મ’: અંબાજી આવતા માઈભક્તોની આરોગ્ય સેવા સાથે મેળાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અપીલ કરતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અંબાજી ભાદરવી મેળામાં પદયાત્રીઓની સેવામાં બનાસ મેડિકલ કોલેજની ટીમો સેવામાં, દાંતા શીત કેન્દ્ર ખાતે મેડીકલ કેમ્પ કાર્યરત.યાત્રાધામ અંબાજી ખાતે યોજાઈ રહેલા ભાદરવી પૂનમ મહામેળા ૨૦૨૬ નિમિત્તે માઁ અંબાના દર્શનાર્થે આવતા લાખો પદયાત્રીઓની નિઃશુલ્ક સ્વાસ્થ્ય સેવા અર્થે દાંતા શીત કેન્દ્ર ખાતે ‘બનાસ મેડિકલ સેવા કેમ્પ’નો વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (બનાસ ડેરી), પાલનપુર તથા બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ વિરાટ સેવા કેમ્પનું વિધિવત ઉદ્ઘાટન અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે બનાસ ડેરી અને મેડિકલ કોલેજના હોદ્દેદારો, તબીબો તથા સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, અંબાજીનો ભાદરવી મેળો એ ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનો પવિત્ર સંગમ છે. ‘સેવા પરમો ધર્મ’ના મૂળભૂત સંસ્કારો સાથે વિવિધ સેવાભાવી સંસ્થાઓ, વહીવટી તંત્ર અને નાગરિકો સાથે મળીને માઈભક્તોની સેવામાં લીન બન્યા છે. તેમણે બનાસ ડેરી અને મેડિકલ કોલેજની ટીમ દ્વારા દર્શાવવામાં આવેલી સેવાકીય ભાવનાને બિરદાવતા જણાવ્યું કે, દરેક યાત્રિક સુખરૂપ દર્શન કરી શકે તે માટે આરોગ્ય સુરક્ષાનું સુચારુ આયોજન અહીં કરવામાં આવ્યું છે.
અધ્યક્ષશ્રીએ તમામ માઈભક્તો અને સ્વયંસેવકોને અંબાજી મહામેળાને સંપૂર્ણપણે ‘પ્લાસ્ટિક મુક્ત મેળો’ બનાવવા હૃદયપૂર્વક આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, યાત્રા દરમિયાન કચરો માત્ર નિયત કચરાપેટીમાં જ નાખવો એ પણ માઁ અંબાની ઉત્તમ સેવા અને સાચી ભક્તિ છે. ભાદરવી પૂનમ દરમિયાન પ્રકૃતિ અને પર્યાવરણનું યોગ્ય સંવર્ધન થાય તેવી રચનાત્મક પ્રવૃત્તિઓ અપનાવી યાત્રાધામ અંબાજી અને સમગ્ર માર્ગને સ્વચ્છ રાખવામાં સહભાગી બનવા તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, કેમ્પમાં પદયાત્રીઓની ત્વરિત અને ઉચ્ચસ્તરીય સારવાર માટે બનાસ મેડિકલ કોલેજના નિષ્ણાત તબીબો, પેરામેડિકલ સ્ટાફ અને વિદ્યાર્થીઓની વિવિધ ટીમો ચોવીસેય કલાક સેવારત રહેશે. પગપાળા ચાલીને આવતા ભક્તોમાં થાક, ડીહાઈડ્રેશન, સ્નાયુનો દુખાવો કે ઈજા જેવી તકલીફોના પ્રાથમિક ઉપચાર ઉપરાંત કોઈપણ પ્રકારની ગંભીર કે આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેમ્પ સ્થળે આધુનિક સાધનોથી સજ્જ આઈસીયુ (ICU) જેવી ઈમરજન્સી તબીબી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો