તા.૧૯/૯/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
વિદ્યાર્થીઓએ ચિત્ર અને નિબંધ સ્પર્ધા દ્વારા આપ્યો સ્વચ્છતાનો સંદેશ
Rajkot: રાજ્યભરમાં ચાલી રહેલા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત ગોંડલ અને ભાયાવદર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ જતન પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવવાના હેતુથી “સ્વચ્છતા સેવા યોગદાન”નું આયોજન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમ હેઠળ બંને નગરપાલિકા વિસ્તારની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે જાગૃતિ સત્રો યોજવામાં આવ્યા હતા. જેમાં અધિકારીઓ અને વિષય નિષ્ણાતો દ્વારા ૪ પ્રકારના કચરાનું વર્ગીકરણ કરવા અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, વપરાયેલી વસ્તુઓનો પુનઃ ઉપયોગ થઈ શકે તે માટે વિદ્યાર્થીઓને વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા.


વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે જવાબદારીની ભાવના કેળવાય તે માટે શાળાઓમાં નિબંધ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કળા દ્વારા સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.










