MORBI:મોરબી મનપાની ફૂડ શાખાનો સપાટો: ૯૦ પેઢીઓમાં તપાસ, કીડીઓવાળા ગુલાબજાંબુ સહિત ૧૫-૨૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાણીપીણીના વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. તારીખ ૩૧ ઓગસ્ટથી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં હોટલો, રેસ્ટોરન્ટ્સ, મીઠાઈ-ફરસાણની દુકાનો સહિત અંદાજે ૯૦ જેટલી પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધરી નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

ફૂડ શાખાની ટીમે શનાળા રોડ, રવાપર રોડ, નાની વાવડી, મહારાણા પ્રતાપ સર્કલ, નવું બસ સ્ટેન્ડ, એસ.પી. રોડ, બાયપાસ, મહેન્દ્રનગર, લાલબાગ, ધૂનડા રોડ, જીઆઇડીસી અને નગર દરવાજા સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન લાયસન્સ વગર ધમધમતી ૧૨ પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી તેમજ કુલ ૧૫ થી ૨૦ કિલો જેટલા અખાદ્ય ખાદ્યપદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
ચેકિંગ દરમિયાન સામે આવેલી ક્ષતિઓ અને કાર્યવાહી:લાલબાગ પાસે દિલ્લી સીતારામ હોટલ: કીડીઓથી લથબથ ગુલાબજાંબુ મળી આવતાં તેનો તાત્કાલિક નાશ કરાવી નોટિસ આપવામાં આવી.
મોરબી-રાજકોટ હાઈવે સ્થિત માધવ હોટલ: ૨ કિલો વાસી ભાત, ૪ કિલો મંચુરિયન, ૨ કિલો ફ્રેન્ચ ફ્રાઈસ તેમજ ફ્રેન્કી સહિતની વાસી સામગ્રી જપ્ત કરી નાશ કરાયો.
શનાળા-ધૂનડા રોડ પર રાધાક્રિષ્ના ડેરી ફાર્મ: એક્સપાયરી/વાસી છાશની ૬ થેલી અને દૂધની ૧૦ થેલીઓનો નાશ કરવામાં આવ્યો.
નાની વાવડી ખાતે મોમાઈ ડેરી એન્ડ સ્વીટ્સ: ૨ કિલો વાસી કચોરીનો નાશ કરી સંચાલકને નોટિસ પાઠવી.
નવા બસ સ્ટેન્ડ વિસ્તાર: જલારામ ભેળમાંથી વાસી બ્રેડના ૩ પેકેટ તેમજ ‘બર્ગર મોલ’માંથી એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગયેલું ઓરેગાનોનું પેકેટ અને નુટેલા ચોકલેટનો નાશ કરી નોટિસ અપાઈ.
મહારાણા પ્રતાપ સર્કલ પાસે મહેન્દ્રભાઈ પેંડાવાળા: મીઠાઈમાંથી વાળ નીકળતાં ૫૦૦ ગ્રામ મીઠાઈનો નાશ કરાવી નોટિસ આપવામાં આવી.

GIDC રોડ: ત્રણ મીઠાઈની દુકાનોમાં ગંદકી જણાતાં અનહાઈજેનિક સ્થિતિ બદલ નોટિસ આપી ૧ કિલો વાસી ચટણી ફેંકાવી દેવાઈ.
મહેન્દ્રનગર વિસ્તાર: ફાસ્ટ ફૂડની લારીઓ-દુકાનોમાં વાસી શાકભાજી ન વાપરવા અને રોજેરોજ તાજું શાકભાજી વાપરવા અંગે તાકીદ કરી નોટિસ અપાઈ.
આ ઉપરાંત, પાલિકાની ટીમે નાની લારીઓ અને દુકાનદારોને ખાદ્યસામગ્રી આપવા માટે અખબાર (News paper)નો ઉપયોગ ન કરવા, એકના એક તેલનો વારંવાર તળવા માટે ઉપયોગ ટાળવા અને સ્થળ પર પૂરતી સાફ-સફાઈ જાળવવા કડક સૂચના આપી હતી. આગામી દિવસોમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસ ચાલુ રહેશે તેવી ચેતવણી તંત્ર દ્વારા આપવામાં આવી છે.











