21 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

માતુશ્રી એસ.બી.વી. ચાવડા સરસ્વતી હાઈસ્કૂલ, પાલનપુર ખાતે “વિકસિત ભારત ૨૦૪૭”અંતર્ગત ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.સ્પર્ધા માટે “વિકસિત ભારત ૨૦૪૭”ના ૧૫ જેટલા વિવિધ વિષયો આપવામાં આવ્યા હતા. જેમાં મારો ગામ, જાગતું ગામ (જ્યોતિગ્રામ યોજના), શાળા પ્રવેશોત્સવ—દીકરીઓ ભણે, આગળ વધે, ટીપે ટીપે પાણી બચાવો, કૃષિ મહોત્સવ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ડિજિટલ ઈન્ડિયા, ડોક્ટર આપણી સંગાથે, ખેલ મહાકુંભ, ગરીબ કલ્યાણ મેળો, મેક ઈન ઈન્ડિયા, એકતાનું પ્રતીક—સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ભવ્ય રામ મંદિર, ભારતીય રેલવેની નવી ગતિ, ચલો અંતરિક્ષની સફરે—ચંદ્રયાનની ભવ્ય સફળતા, વાઈબ્રન્ટ ગુજરાત વગેરે વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓએ પસંદગીના વિષયો પર પોતાની કલાત્મકતા, સર્જનાત્મકતા અને વક્તૃત્વ કૌશલ્યનું સુંદર પ્રદર્શન કર્યું હતું. વિવિધ વિષયોને ચિત્રો અને અસરકારક વક્તવ્યો દ્વારા રજૂ કરી વિદ્યાર્થીઓએ વિકસિત ભારતની કલ્પનાને સુંદર રીતે અભિવ્યક્ત કરી હતી.આ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, સર્જનાત્મક વિચારશક્તિ, જાગૃતિ, આત્મવિશ્વાસ અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાની ભૂમિકા અંગેની સમજ કેળવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યશ્રી નરેન્દ્રસિંહ દેવડાના માર્ગદર્શન હેઠળ ડૉ. તારાબેન સોલંકી, રુમનાબેન સિંધી અને રાજેશભાઈ ભાટિયા દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના ઉત્સાહભર્યા સહભાગ અને શિક્ષકોના માર્ગદર્શનથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.







