તા.૫/૧૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટની આગામી જળ જરૂરિયાત માટે પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ રહેશેઃ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ
Rajkot: રાજકોટના આજી ડેમમાં સૌની યોજના થકી નર્મદાના નીરની આવક શરૂ થઈ છે. આજે જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી ઈશ્વરસિંહ પટેલે આજી ડેમ ખાતે નર્મદાનાં નીરનાં વધામણાં કર્યા હતા.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સૌની યોજના મારફતે આજીડેમમાં અત્યાર સુધીમાં ૨૦ એમ.સી.એફ.ટી. પાણી ઠાલવવામાં આવ્યું છે. જેના પરિણામે વર્તમાન સ્થિતિએ આજીડેમ આશરે ૭૦ ટકા જેટલો ભરાયો છે. રાજકોટની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આગામી તા. ૩૧ જુલાઈ, ૨૦૨૭ સુધી પીવાના પાણીની કોઈ અછત ઊભી ન થાય તે માટે પૂરતો જથ્થો અનામત રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુમાં, તેમણે જણાવ્યું હતું કે, પીવાના પાણીની જરૂરિયાત માટે જરૂરી જથ્થો સુરક્ષિત રાખ્યા બાદ વધારાનું પાણી ખેડૂતોને ખેતી અને સિંચાઈના હેતુસર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ, સૌની યોજના દ્વારા રાજકોટની શહેરી જળ જરૂરિયાતની સાથે ખેડૂતોને પણ સિંચાઈ માટે પાણી મળી રહે, તે દિશામાં આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટની જળસુરક્ષા સુનિશ્ચિત કરવા અને કૃષિ ક્ષેત્રને જરૂરી પાણી ઉપલબ્ધ કરાવવાના હેતુથી નર્મદાના નીરની આ આવક મહત્ત્વપૂર્ણ બની રહેશે.
આ પ્રસંગે રાજકોટના મેયર શ્રી નેહલભાઈ શુક્લ તથા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ-કર્મચારીઓ તથા પાણી પુરવઠા તથા સિંચાઈ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.







