વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાના અનોખા સંગમ સમાન દિવાળી પર્વની શરૂઆત વાઘબારસના પવિત્ર તહેવારથી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાના વિવિધ ગામોમાં ગ્રામદેવતા અને પ્રકૃતિની પૂજા-અર્ચના કરીને પરંપરાગત રીતિ-રિવાજ મુજબ વાઘબારસની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ હતી. “જળ, જંગલ, જમીન અને વન્યજીવોની પૂજા કરવાની આદિકાળથી ચાલી આવતી પરંપરા આજે પણ ડાંગમાં જીવંત જોવા મળે છે,” જે આદિવાસી સમાજની પ્રકૃતિ પ્રત્યેની ગાઢ આસ્થા અને વન્યજીવો સાથેના સહઅસ્તિત્વનો અદ્ભુત સંદેશ પાઠવે છે.વાઘબારસના આ પાવન અવસરે ગામના આગેવાનો, પાટીલ, કારભારી અને ભગતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ડાંગની વર્ષો જૂની પરંપરા મુજબ, પ્રકૃતિ અને કુદરતી સંપદાને પૂજ્યા બાદ જ કોઈપણ તહેવારની ઉજવણીની શરૂઆત કરવામાં આવે છે. આ ક્રમમાં વાઘદેવ, નાગદેવ, મોર તેમજ જળ, જંગલ અને જમીનની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. વિશેષ કરીને જંગલમાં અવરજવર કરતા અને જંગલ વિસ્તારની આસપાસ વસવાટ કરતા ગ્રામજનોની સુરક્ષા હંમેશાં જળવાઈ રહે તથા વન્યપ્રાણીઓ અને પક્ષીઓના કારણે માનવજીવનને કોઈ પણ પ્રકારનું નુકસાન કે મુશ્કેલી ન પહોંચે, તેવી ભાવભીની પ્રાર્થના ગ્રામજનો દ્વારા વાઘદેવ સમક્ષ કરવામાં આવી હતી.આ પરંપરાગત પૂજાવિધિ દરમિયાન ગ્રામદેવતાને પરંપરાગત પદ્ધતિ મુજબ મરઘાંની બલી અર્પણ કરવામાં આવી હતી, ત્યારબાદ ફૂલહાર ચઢાવીને ધૂપ-દીપ સાથે પૂજા સંપન્ન થઈ હતી. વિશેષ ભગત અને ગામના પાટીલના જણાવ્યા અનુસાર, ડાંગની લોકમાન્યતા અને પરંપરા મુજબ દર પાંચ વર્ષે એક વખત વિશેષ મોટી બલી આપવાની વિધિ કરવામાં આવે છે, અને આ વર્ષે આ પરંપરા અંતર્ગત વિશેષ રૂપે બકરાની બલી આપવામાં આવી હતી.આ સમગ્ર ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો, પાટીલ, કારભારીઓ, ભગતો અને ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને પરંપરાગત રીતિ-રિવાજો અને ગાઢ ધાર્મિક શ્રદ્ધા સાથે વાઘબારસના પર્વની ઉજવણી કરી હતી. ડાંગની આ અનોખી પરંપરા માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત નથી, પરંતુ પ્રકૃતિ, વન્યજીવો અને માનવજીવન વચ્ચેના પવિત્ર સંબંધને પેઢી દર પેઢી જાળવી રાખતી આદિવાસી સંસ્કૃતિની એક આગવી ઓળખ બની રહી છે. આ પ્રકારે વાઘબારસની ભાવભીની પૂજા-અર્ચના સાથે ડાંગ જિલ્લામાં દિવાળીના મહાપર્વનો ભવ્ય અને પરંપરાગત પ્રારંભ થયો હતો..







